શિક્ષણની સાથે સાથે મહત્વની વહીવટી જવાબદારીઓ પણ અધ્યાપકોના માથે નાંખી દેવાઈ છે

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
શિક્ષણની સાથે સાથે મહત્વની વહીવટી જવાબદારીઓ પણ અધ્યાપકોના માથે નાંખી દેવાઈ છે 1 - image


કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ આપવાની જવાબદારી અધ્યાપકોની કે શિક્ષકોની અને વહિવટી બાબતોની જવાબદારી વહીવટી  કર્મચારીઓ અને અધિકારીઓની હોય છે પણ એમ.એસ.યુનિવર્સિટીની હાલત એવી છે કે, યુનિવર્સિટી હેડ ઓફિસનો ઘણો ખરો વહીવટ પણ અધ્યાપકોના જ ભરોસે ચાલી રહ્યો છે.

યુનિવર્સિટીના વહીવટના સર્વોચ્ચ વડા ગણાતા રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા પોતે ઈકોનોમિક્સના અધ્યાપક છે. માત્ર વહીવટની જ નહીં પણ ડેમેજ કંટ્રોલ માટે પણ તેમને ઘણી વખત આગળ કરી દેવાય છે. બીજી તરફ પરીક્ષા વિભાગ દ્વારા પરિણામો સમયસર જાહેર કરવામાં આવે તે માટે સોશિયલ વર્ક ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રો.ભાવના મહેતાને કંટ્રોલર ઓફ એક્ઝામિનેશનની જવાબદારી સોંપી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર પદેથી દર્શન મારુ રાજીનામુ આપી ચૂકયા બાદ આ હોદ્દો ખાલી પડેલો છે.

યુનિવર્સિટીના પીઆરઓની પાદરા કોલેજમાં ટ્રાન્સફર કરી દેવાયા બાદ હવે આ વિભાગની ઓએસડી તરીકેની જવાબદારી ઈંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ  પ્રો.હિતેશ રાવિયાને સુપરત  કરાઈ છે. જેમણે વિદ્યાર્થીઓની રજૂઆતો પણ સાંભળવી પડે છે. અધ્યાપકોના પગાર , નિમણૂંકો સહિતની બાબતો  હેડ ઓફિસનો એકેડમિક વિભાગ સંભાળે છે. જેના ઓએસડી તરીકે કોમર્સના અધ્યાપક પ્રો.જે કે પંડયાની નિમણૂંક કરી દેવામાં આવી છે.

આમ યુનિવર્સિટીના ચાર વરિષ્ઠ અધ્યાપકોને યુનિવર્સિટીના વહીવટનુ સંચાલન કરવામાં ઘણો ખરો સમય આપવો પડે છે. તેના કારણે  વિદ્યાર્થીઓને ભણાવવાનુ તેમનુ કામ પણ પ્રભાવિત થઈ રહ્યુ છે.


Google NewsGoogle News