ખાનગી શાળાઓ સાથે હવે પાલિકાની શાળામાં પણ શરૂ થશે એડમિશન પ્રક્રિયા
સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં વાર્ષિક પરીક્ષા ની તૈયારી થઈ રહી છે અને ત્યારબાદ નવા સત્ર માટેની પણ કવાયત શરૂ થઈ ગઈ છે. ખાનગી સ્કૂલની જેમ પાલિકાની શાળામાં પણ પહેલી એપ્રિલથી એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. શહેરના નવા વિસ્તારની શાળાઓમાં એડમિશન માટે પડા-પડી થઈ રહી છે જ્યારે કોટ વિસ્તાર અને શ્રમજીવી વિસ્તારમાં વિદ્યાર્થીઓને શોધવા માટે પ્રયાસ કરવા પડે છે. આવી સ્થિતિ વચ્ચે કેટલાક શિક્ષકોએ સમિતિ દ્વારા અપાતું શિક્ષણ અને સુવિધાઓની માહિતી હાલ અભ્યાસ કરી રહેલા બાળકો દ્વારા જ તેમના વિસ્તારમાં પહોંચાડવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેથી નવા એડમિશન માટે હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ બ્રાન્ડ એમ્બેસેડર બની રહેશે.
સુરત પાલિકાના નવા વિસ્તારની કેટલીક સરકારી શાળામાં એડમિશન માટે ભારે ધસારો હોય છે તેથી વેઇટિંગ લિસ્ટ બનાવવાની ફરજ પડે છે. પરંતુ કોટ વિસ્તારની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત જોવા મળે છે. આ વિસ્તારમાં વિદ્યાર્થીઓને શાળા સુધી લાવવામાં ભારે પરિશ્રમ થઈ રહ્યો છે. શિક્ષકો સત્ર શરૂ થાય તે પહેલા શાળાની આસપાસના વિસ્તારમાં ફરી શાળા પ્રવેશ મેળવી શકે તેવા બાળકોની યાદી તૈયાર કરી અને વાલીઓને અપ્રોચ કરે છે. શિક્ષકોની આટલી મહેનત છતાં પણ યોગ્ય પ્રતિસાદ મળતો નથી. જેને કારણે હવે કોટ વિસ્તારની કેટલીક શાળાઓએ પોતાની શાળામાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવા એડમિશન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો નવો પ્રયોગ હાથ કર્યો છે.
હાલ શાળામાં વાર્ષિક ઉત્સવ ચાલી રહ્યો છે અને બાળકોને પ્રોત્સાહન આપવા ઇનામ પણ આપવામા આવી રહ્યાં છે. જેમાં પોતાને મળતી સુવિધા જેમાં ગણવેશ, પુસ્તકો, સ્પોર્ટ ગણવેશ, બુટ મોજા અને મધ્યાહન ભોજન જેવી સુવિધા મળે છે તેનો પ્રચાર કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. દરેક વિદ્યાર્થી પોતાની આસપાસના ત્રણ પરિવારોને સમિતિની શાળાએ મળતી સુવિધા થી વાકેફ કરીને નવા વિદ્યાર્થીઓને એડમિશન માટે પ્રેરે તેવી અપીલ કરવામાં આવી રહી છે. જોકે કોટ વિસ્તારની શાળાઓનો આ પ્રયોગ કેટલો સફળ થશે તે તો નવા સત્રના એડમિશન બાદ જ ખબર પડશે. પરંતુ સમિતિની શાળામાં થઈ રહેલા આ નવતર પ્રયોગ વાલીઓમાં ચર્ચા નો વિષય બન્યો છે