સુરતમાં ધાર્મિક ઉત્સવની ઉજવણી સાથે લોકશાહીના ઉત્સવની પણ ઉજવણી
સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જૈન ધર્મના આ વખતની ચોવીસીના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિનની ભવ્ય ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. જોકે, આ વર્ષે ધાર્મિક ઉત્સવની ઉજવણી સાથે લોકશાહીના ઉત્સવની પણ ઉજવણી કરવામા આવી હતી. શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના એક લાખ લાડુનું વિતરણ કરી મોઢુ મીઠું કરાવી મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવાવમા આવી હતી.
સરુત શહેરમાં દર વર્ષે શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા જૈનો દ્વારા શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ અનેક જગ્યાએ આ ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે. આજના દિવસે જૈનો દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા સાથે અબોલ પશુઓ પ્રત્યે જીવદયાનું કામ કરવામાં આવ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા જિનાલયો, ઉપાશ્રયમાં ધર્મસભા અનુષ્ઠાન સાથે જીવદયા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ગોપીપુરા ખાતે આવેલા મહાવીર અન્નક્ષેત્ર અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બુંદીના લાડવા બનાવી લોકોના મોઢા મીઠા કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહા સંઘ, સુરત દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના એક લાખ જેટલા લાડુ બનાવવામાં આવ્યા છે. આ સંસ્થાના સભ્યો દ્વારા ભગવાનના જન્મ દિવસની ઉજવણી માટે લોકોના મોઢા મીઠા કરાવવા સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે "મતદાતા જાગૃતિ અભિયાન" નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.