વિબગ્યોર શાળા ખાતે દેખાવો કરી રહેલા એબીવીપીના કાર્યકર્તાઓના કપડા ફાડી નાખ્યાનો આક્ષેપ : એક કાર્યકર બેભાન
Vadodara : વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ વિબગ્યોર સ્કૂલના સંચાલકો એફઆરસીના નિયમને ધોળીને પી ગયા છે. જે મામલે આજે એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાના ટાણે અહીં પહોંચેલી પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓના કપડા ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક કાર્યકર બેશુદ્ધ થઈ જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ વિબગ્યોર સ્કૂલ એફઆરસીના નિયમ પ્રમાણે વિદ્યાર્થીના વાલીઓ પાસેથી ફી વસુલી રહી નથી. આ અંગે અગાઉ વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં શાળા સંચાલકો એફઆરસીના નિયમને અનુસરવા તૈયાર ન હોવાના આક્ષેપ સાથે આજે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા સ્કૂલ સામે સૂત્રોચાર સહ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એબીબીપીના અક્ષય રબારી સહિત બેથી ત્રણ લોકોના પોલીસે કપડા ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. આંદોલન વેળાએ સ્મિત પ્રજાપતિ નામનો કાર્યકર બેશુદ્ધ થઈ ઢળી પડ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. એબીવીપીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વાલીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રાખવામાં આવશે.