સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષામાં ચોરીનો આક્ષેપ, જવાબના સ્ક્રીન શોટ વાઈરલ થયા
Plagiarism in Saurashtra University's B.Com Exam : ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષામાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમરેલીની એક કોલેજના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં પરીક્ષાના જવાબના સ્કીન શોટ વાઈરલ થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકર્તાઓએ અનેક સવાલો કરીને વિરોધ નોંધાવ્યો હતો.
બી.કોમનું પેપર લીક થયાના સ્ક્રીન શોટ વાઈરલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમ સેમેસ્ટર 4ની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના સામે આવી છે. આ મામલે યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકર્તાઓને વોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ મોકલ્યા છે. બી.કોમની પરીક્ષાના પેપરના જવાબો, ઉત્તરવહી, સ્ક્વોડ આવે છે કે નહી તેવી વાતચીતની ચેટના સ્ક્રીન શોટ વાઈરલ થયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના મુસાફરો છે સલામત, તમામને પરત લાવવાની કરાશે વ્યવસ્થા
સમગ્ર મામલે AAPની છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)ના પ્રદેશ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, 'સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરીથી પેપર લીકની ઘટના સામે આવી છે. જેમાં અમરેલીની એક કોલેજના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં બી.કોમ સેમ.4નું 10:30 વાગ્યે શરૂ થતાં પેપરના પ્રશ્નોના વાઈરલ થયા હતા.' આ મામલે CYSSના કાર્યકર્તાઓએ કુલપતિને અનેક સવાલો કર્યા હતા કે, 'પરીક્ષામાં મોબાઈલ લઈ જવામાં આવે છે ત્યારે કોલેજ શું કરે છે? શું સીસીટીવી દ્વારા મોનિટરિંગ થતું નથી? કોઈ કોલેજને બાંધછોડ અપાઈ છે?' પેપર લીકની ઘટનાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નક્કર પગલા લઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ ઊઠી છે.