ગ્રામસભા બોલાવ્યા વગર મેઘપરને ગાંધીધામ મ.ન.પા.માં સમાવી લીધાનો આક્ષેપ
જારના મેઘપર-બો. અને કુંભારડી ગાંધીધામમાં ચાલ્યા જતાં વિરોધ
મુખ્યમંત્રીએ ના કહી હતી છતાં ધરાર મેઘપરને અંજારથી જુદો કરી દેવાયો, સ્થાનિક નેતાગીરી નબળી હોવાનો દાવો
આ અંગે અંજાર આઇડેન્ટિટી સંસ્થાના પ્રમુખ એલ.વી. વોરા અને મંત્રી ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, સરકારે ગાંધીધામને નિયમોને નેવે મૂકી મહાનગરપાલિકા આપી દીધી છે. પ્રથમ તો જ્યારે અંજાર તાલુકો અલગ છે ત્યારે ગાંધીધામ નગરપાલિકાએ કયા હક્ક-દાવાથી અંજાર તાલુકાની મેઘપર જુથ ગ્રામ પંચાયત પાસે સૂચિત ગાંધીધામ મનપામાં સમાવવા બાબત ઠરાવ માગ્યો? એ એક સવાલ છે. ગ્રામ પંચાયતે પણ લોકોને પૂછયા વગર ગ્રામસભા બોલાવ્યા વગર ઠરાવ કરીને આખે આખા બે ગામ ગાંધીધામ નગરપાલિકાને આપી દીધા. ગ્રામ પંચાયતની બોડીને ગામનો વહીવટ ચલાવવા માટે ચૂંટવામાં આવતા હોય છે તેથી તે ગામની માલિક બની નથી જતી અને આવા મોટા નિર્ણયો લોકોને પૂછયા વગર લે તે કાયદાથી વિરુદ્ધ છે. હાલની સ્થિતીમાં તો અંજાર તાલુકાનું અંગ જ કપાઈ ગયું છે. આ બાબતે તાલુકા પંચાયત કે ન તો અંજાર નગરપાલિકાને પૂછવામાં આવ્યું વાસ્તવમાં એક તાલુકા માંથી બીજા તાલુકામાં જવાનું હોય તો ગ્રામ પંચાયતનો ઠરાવ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અને પછી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બહુમતીએ પાસ થવો જોઈતો હતો. તેના પર સરકારના પંચાયત અને મહેસૂલ વિભાગની મોહર લાગે પછી જ તે કાયદેસર ગણાય કારણ કે તાલુકો બદલવાનો છે. જ્યારે અંજારના બે હાથ જેવા બે મેઘપરને જ્યારે ગાંધીધામમાં ભેળવવાની વાત સામે આવી ત્યારે અંજારના પ્રબુધ્ધ નાગરિકોએ અંદાજે ૨૦૦ જણાએ આ બાબતે વિરોધ કરતાં પત્રો મુખ્યમંત્રીને લખ્યા હતા. જે બાદ આ સંસ્થાએ મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ વાત સ્વીકારીને મેઘપરને નહિ લેવાય એવી હૈયાધારણ આપી હતી. તેમ છતાં બંને મેઘપર આખેઆખા લેવાયા જે કમનસીબ બાબત છે.
સરકારે અંજારની સ્થિતિ આસામ જેવી કરી નાખી
અંજાર આઇડેન્ટિટી સંસ્થા દ્વારા આક્ષેપો સાથે જણાવ્યુ હતું કે, ગાંધીધામને મહાનગરપાલિકા મળે તેમાં અંજારને કોઈ વાંધો ન હોય પણ અંજારના ભોગે ગાંધીધામ નો વિકાસ અંજાર ન ઈચ્છે.આજે અંજાર પોતાનું અસ્તિત્વ બચાવવાની વેતરણમાં આવી ગયું છે, આવે. સરકારે અંજારને આસામ બનાવી નાખ્યું છે. એકવાર પોતાના સ્વાર્થ માટે અલગ તાલુકો બનાવવા માટે અંજારનું વિભાજન કર્યું, હવે પોતાના સ્વાર્થ માટે અંજારના બે મેઘપરને છીનવીને બીજું વિભાજન કર્યું છે અને હવે ગાંધીધામ તાલુકો અકબંધ રાખવા માટે અંજારનું ત્રીજી વખત વિભાજન કરે તેવી શક્યતા નકારી શકાતી નથી કારણ કે અંજાર નધણિયાતું છે. અંજારના ચુંટાયેલા પદાધિકારીઓને અંજારની પડી નથી એથી અંજારના આવા વિનાશને તેઓ મૂક રહી સમર્થન આપે છે તેવો આક્ષેપ પણ કરાયો હતો.