રાવળીયાવદર ગામે પાણીના સંપની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
- પાણીની લાઇન તોડી નખાતા ગ્રામજનોને હાલાકી
- હલકી ગુણવત્તાનું કામ થતાં દૂર્ઘટનાની ભીતિ : ગ્રામ પંચાયતની પુરવઠા વિભાગને રજૂઆત
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવામાં આવી રહેલા પાણીના સંપની કામગીરીમાં જવાબદાર તંત્ર દ્વારા હલકી ગુણવત્તાનું કામ થતું હોવાનું સામે આવ્યું છે. આથી રાવળીયાવદર ગ્રામ પંચાયત દ્વારા ધ્રાંગધ્રા પાણી પુરવઠા વિભાગને લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રાવળીયાવદર ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના સંપનું કામ ચાલી રહ્યું છે. જેની ગ્રામજનો અને સરપંચ દ્વારા સ્થળ તપાસ કરતા સંપની કામગીરીમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં યોગ્ય માપદંડને બદલે રેતીનો વધુ ઉપયોગ, એસ્ટીમેટ મુજબ લોખંડ અને સિમેન્ટનો પણ સરખો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને પાણીનો છંટકાવ પણ કરતા નથી જેના કારણે હલકી ગુણવત્તાનું કામ થતું હોવાથી ભવિષ્યમાં મોટી જાનહાની કે દુર્ધટના થવાની પણ ભીતી સેવાઈ રહી છે જે મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતની પીવાના પાણીની લાઈન પણ તોડી નાંખવામાં આવી છે જે અનેક વખત રજૂઆત કરવા છતાં રિપેર કરવામાં આવી નથી જેના કારણે ગ્રામજનો અને મહિલાઓને પીવાના પાણી માટે હાલાકી પડી રહી છે આથી આ મામલે પણ યોગ્ય અને તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.