ઉધનામાં છ માસની બાળકીને તેના પિતાએ જ ફેંકી દીધી હોવાનો આરોપ
- બાળકીના પિતા અને સાસરીયા વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન બાળકી પડી ગઇ હોવાનું પોલીસે જણાવ્યું
સુરત :
ઉધનામાં શનિવારે રાતે પિતાએ તેની છ માસની બાળકીને ફેંકી દીધી હોવાના આક્ષેપ પરિવારે કર્યા હતા. જોકે, બાળકીને ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ સલાબતપુરા વિસ્તારમાં રહેતો ૨૪ વર્ષનો શાબીર શેખ શનિવારે રાતે ઉધના વિસ્તારમાં સાસરીયામાં ગયો હતો. ત્યાં તેમની છ માસની બાળકીને રહસ્યમય સંજોગોમાં માંથાના ભાગે ઇજા થઇ હતી. તેથી બાળકીને સારવાર માટે માસી નવી સિવિલ હોસ્પિટલમાં લાવી હતી. જયાં બાળકીને વોર્ડમાં દાખલ કરી હતી. બાળકીને તેના પિતા શાબીરે જ જમીન પછાડતા ઇજા થઇ હોવાના આક્ષેપ તેના પરિવારે કર્યા હતા.
પોલીસે કહ્યું કે, શાબીરની પત્ની જમીલા ગર્ભવતી હોવાથી અંદાજીત ૧૦ માસ પહેલા ઉધના ખાતે પિયરમાં આવી હતી. છ માસ પહેલા તેની પ્રસૃતિ થતા બીજી બાળકીનો જન્મ થયો હતો. બીજી પુત્રીનો જન્મ શાબીરને પસંદ ન હતો. જેથી શાબીર પત્ની અને બે પુત્રીને સાથે રાખવા માંગતો ન હોવાથી તેડવા માટે સાસરી જતો ન હતો. જોકે, શનિવારે શાબીર અને તેની પત્ની વચ્ચે સામાધનની વાત કરવા માટે શાબીર ઉધના ખાતે સાસરીમાં ગયો હતો. બાદમાં ત્યાં રકઝક થતા શાબીર અને સાસરીયા વચ્ચે ઝંપાઝપી થઇ હતી. જેમાં બાળકી પડી જતા ઇજા થઇ હોવાનું તેમના પરિવારે પોલીસે કહ્યું હતુ. શાબીર મજુરી કામ કરે છે. આ અંગે ઉધના પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.