બિલ્ડર સામે ફરિયાદ કરનારને પોલીસ મથકે બેસાડી દેવાયાનો આક્ષેપ

Updated: Nov 5th, 2021


Google NewsGoogle News
બિલ્ડર સામે ફરિયાદ કરનારને પોલીસ મથકે બેસાડી દેવાયાનો આક્ષેપ 1 - image


દાગીના સાથે ઘર વખરી હતી તે ફ્લેટનો સામાન પણ ખાલી કરવા નહીં દીધો ઃ હસમુખ પટેલ અને પુત્ર ગૌરાંગ સામે ફરિયાદ

                સુરત,

રાંદેર ઝોનના અડાજણ વિસ્તારના રામ તિર્થ એપાર્ટમેન્ટના દસેક ફ્લેટના માલિકોની મંજુરી વિના જ ભાજપના માજી મહિલા કોર્પોરેટરના પતિ એવા બિલ્ડરે એપાર્ટમેન્ટનું જોખમી ડિમોલીશન કરાવતા થયેલી દુર્ઘટનાની ઘટનામાં બિલ્ડીંગમાં એક વ્યક્તિની ઘર વખરી અને દાગીના પણ કાઢવા દેવાયા નહોતા. તે અંગે ફ્લેટધારક પોલીસ ફરિયાદ કરવા ગયા ત્યારે તેમને જ બેસાડી દેવાયાનો આક્ષેપ કરાયો છે.

અડાજણ વિસ્તારના રામ તિર્થ એપાટમેન્ટના એ-૬માં જીવાભાઇ રામાભાઈ ખલાસી રહેતા હતા તેઓએ બિલ્ડરને ફ્લેટ વેચ્યો ન હતો અને તેમની દાગીના, ટીવી, વાસણ અને અનાજ સાથેની ઘર વખરી પણ આ ફ્લેટમાં જ હતી. ગઈ કાલે બિલ્ડીગ તોડવાની કામગીરી ચાલતી હોવાની વાત મળતાં જીવાભાઈ સ્થળ પર ગયાં હતા અને કોન્ટ્રાક્ટરને સામાન કાઢવા માટે વિનંતી કરી ત્યારે કોન્ટ્રાક્ટર બિલ્ડર હસમુખ પટેલના પુત્ર ગૌરાંગ સાથે  ફોન પર વાત કરાવી હતી. ગૌરાંગે જીવાભાઈને સામાનના પૈસા આપી દઈશું પણ સામાન નહીં કાઢવા દઉ તેવું કહીને ધમકી આપી હોવાનુ ંજીવાભાઈએ કહ્યું હતું.

આ ઉપરાંત હસમુખ પટેલ અને ગૌરાંગ પટેલ સામે જીવા ખલાસીએ પોલીસમાં અરજી કરી છે. તે મુજબ, ૩૦ ઓક્ટોબરના રોજ તેઓ  ફ્લેટ પર ગયાં હતા ત્યારે હસમુખ પટેલ અને ગૌરાંગે તેમને ગાળ આપીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેઓ વિજ મીટર પણ ચોરી ગયાં છે.  ગઈકાલે આ ફરિયાદ આપ્યા બાદ જીવા ખલાસી રામ તિર્થ એપાર્ટમેન્ટ ગયાં ત્યારે પોલીસે આરોપી સામે પગલાં ભરવાના બદલે જીવાભાઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધાનો આક્ષેપ પણ જીવાભાઈએ કર્યો છે.


Google NewsGoogle News