Get The App

થાનની હોસ્પિટલમાં પ્રસૂતાની ડિલિવરીમાં બેદરકારીનો આક્ષેપ

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
થાનની હોસ્પિટલમાં પ્રસૂતાની ડિલિવરીમાં બેદરકારીનો આક્ષેપ 1 - image


- પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ

- ડોક્ટરની બેદરકારીથી મહિલાની બંને કિડની ફેલ થઇ હોવાનો ફરિયાદમાં આરોપ

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના વગડીયા ગામની પ્રસૂતાને પીડા ઉપડતા સારવાર અર્થે થાનની 'મા ચામુંડા ગાયનેક હોસ્પીટલ' લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે નોર્મલ ડિલેવરી થશે એમ જણાવી થોડા સમય બાદ કોઈ કારણોસર સીઝેરીયન કરવું પડશે તેમ જણાવી સીઝેરીયન કર્યું હતું. ત્યાર બાદ પ્રસૂતાની તબીયત લથડતા સારવાર અર્થે સુરેન્દ્રનગર અને ત્યારબાદ અમદાવાદ હોસ્પીટલ લઈ જવામાં આવી હતી. પ્રસુતાના પરિવારજનોએ થાનની ખાનગી ગાયનેક હોસ્પીટલના ડોક્ટર સામે બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને આ અંગે થાન પોલીસ મથકે લેખીત ફરિયાદ નોંધાવી હતી.

મુળીના વગડીયા ગામે રહેતા જયંતિભાઈ પનારાના પુત્ર સંજયભાઈ પનારાની પત્ની વિનુબેન પનારા (ઉ.વ.૨૩) પ્રસુતા હોવાથી તેમની સારવાર થાન શહેરના વાસુકીરાજ કોમ્પલેક્ષમાં આવેલ 'મા ચામુંડા ગાયનેક હોસ્પીટલ'માં ચાલતી હતી. દરમિયાન પ્રસુતાને ૯મો મહિનો ચાલતો હોય પીડા ઉપડતા સારવાર અર્થે પરિવારજનો ગત તા.૧૦ ડિસેમ્બરના રોજ હોસ્પીટલ ખાતે લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડો.રાજેશ ઝાલાએ પ્રસુતાની તપાસ કરી હતી. ડોક્ટરે બે-ત્રણ કલાક રોકાઈ જવાનું જણાવી નોર્મલ ડિલેવરી થઈ જશે તેમ જણાવતા પરિવારજનો હોસ્પીટલમાં રોકાયા હતા. પરંતુ રાતના ૯-૦૦ વાગ્યા સુધી રાહ જોયા બાદ ડોક્ટર દ્વારા ડિલેવરી કરાવવાના પ્રયત્નો કર્યા હતા અને ત્યારબાદ નોર્મલ ડિલેવરી નહીં થવાનું જણાવી ફરજિયાત સીઝેરીયન કરવું પડશે તેમ જણાવતા પરિવારજનો પાસેથી રૂા.૧૫,૦૦૦ એડવાન્સ ડિપોઝીટ ભરાવી હતી અને બાકીની રકમ રૂા.૧૫,૦૦૦ ડિલેવરી બાદ આપવાનું નક્કી કર્યું હતું અને વાંકાનેરથી ડોક્ટરને બોલાવી સીઝેરીયન કરી ડિલેવરી કરાવતા એક પુત્રીનો જન્મ થયો હતો.

પરંતુ ડિલિવરી બાદ પ્રસૂતાની તબીયત લથડતા ડોક્ટરે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે લઈ જવાનું જણાવ્યું હતું. આથી પરિવારજનો પ્રસુતાને સુરેન્દ્રનગરની સવા હોસ્પીટલમાં લાવ્યા હતા પંરતુ ત્યાં પણ ફરજ પરના ડોક્ટરે એડમીટ કરવાની ના પાડતા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ (ટી.બી.હોસ્પીટલ) ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરે પ્રસુતાની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું અને પ્રસુતાને વેન્ટીલેટર પર રાખી જરૂરી સારવાર પુરી પાડી હતી. પરંતુ બીજે દિવસે સવારે ડોક્ટરે પ્રસૂતાની કિડની કામ કરતી નથી તેમજ લોહી પાતળુ થઈ ગયું છે તેમ જણાવી અમદાવાદ લઈ જવાનું જણાવતા પરિવારજનોએ પ્રસુતાને અમદાવાદ લઈ ગયા હતા જ્યા હાલ પ્રસુતા સારવાર હેઠળ અમદાવાદ હોસ્પીટલમાં એડમીટ છે. ત્યારે થાનની 'મા ચામુંડા હોસ્પીટલ'ના ડોક્ટરની બેદરકારીના કારણે નોર્મલ ડિલેવરીનું જણાવ્યા બાદ સીઝેરીયન કરતા હાલત વધુ ખરાબ થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પરિવારે ડો.રાજેશ ઝાલાની બેદરકારીના કારણે પ્રસુતાની બન્ને કિડની બંધ થઈ ગઈ હોવાના આક્ષેપ સાથે ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે થાન પોલીસ મથકે લેખીત ફરિયાદ કરી હતી. જ્યારે આ મામલે થાન પીઆઈ વી.કે.ખાંટના જણાવ્યા મુજબ હાલ લેખીત ફરિયાદ મળી છે અને આ મામલે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી તપાસ દરમ્યાન ડોક્ટરની બેદરકારી સામે આવશે તો જવાબદાર ડોક્ટર સામે નિયમ અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


Google NewsGoogle News