વલસાડની સ્વામીનારાયણ સ્કૂલમાં હોલ ટિકિટના બદલામાં રૂ. 2500 વસૂલ્યાનો આક્ષેપ, ગેરરીતિ બદલ નોટિસ ફટકારી
Board Exama Hall Ticket: ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે વલસાડના ધરમપુરની સ્કૂલમાં હોલ ટિકિટના નામે પૈસા ઉઘરાવવામાં આવતાં વિવાદ સર્જાયો છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓએ સ્કૂલના સંચાલકો સામે હોલ ટિકિટના નામે રૂ.2500 ઉઘરાવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરતાં શિક્ષણ વિભાગ દોડતું થઇ ગયું છે અને તપાસનો ધમધામટ શરૂ કર્યો છે. આ દરમિયાન તપાસ ફી ઉઘરાવી હોવાનું સામે આવતાં શાળાને નોટીસ ફટકારીને વાલીઓને ફી પરત કરવાનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના ધરમપુર તાલુકાની માલનપાડામાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં સંચાલકો દ્વારા હોલ ટિકિટના નામે રૂ.2500 ઉઘરાવવામાં આવતાં વિવાદ સર્જાતા સમગ્ર મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન તપાસમાં સંચાલકો દ્વારા રજિસ્ટ્રેશન ફીના નામે રૂ. 2500 ઉઘરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. શિક્ષણ અધિકારીએ ગેરકાયદેસર રીતે ઉઘરાવેલી ફી બે દિવસમાં વાલીઓને પરત કરવાનો આદેશ કર્યો છે. આ સાથે સાથે શાળાને નોટીસને નોટીસ પણ ફટકારવામાં આવી છે.