3 ઈરાની સહિત પાંચે'ય શખ્સોને રિમાન્ડ પર લઈ તપાસનો ધમધમાટ

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
3 ઈરાની સહિત પાંચે'ય શખ્સોને રિમાન્ડ પર લઈ તપાસનો ધમધમાટ 1 - image


ઓખાનાં દરિયામાં ડ્રગ્સ સાથે ઝડપાતા કાર્યવાહી અન્ય કોઈ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની પણ આશંકા સાથે સાત દિવસની કસ્ટડી મેળવીને સઘન પૂછતાછ શરૂ

ખંભાળિયા, : દેશના સંવેદનશીલ દરિયાકાંઠામાંના એક એવા ઓખાના દરિયામાંથી ગઈકાલે ચઢતા પહોરે જિલ્લા પોલીસ દ્વારા શંકાના આધારે એક બોટ આંતરી, તેમાંથી ત્રણ ઈરાની સહિત ચાર શખ્સો તેમજ અહીંથી વધુ એક તમિલનાડુના રહીશ એવા એક શખ્સ સહિત કુલ પાંચ શખ્સોને દબોચી લઈ, તેઓ પાસેથી ડ્રગ્સ, સેટેલાઈટ ફોન, જીપીએસ સિસ્ટમ, વિદેશી નાણું, સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં તપાસનીસ એસ.ઓ.જી. પોલીસે આરોપીઓને સ્થાનિક અદાલતમાં રજૂ કરી, સાત દિવસના રિમાન્ડ પર લીધા છે.

સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ઓખાના સિગ્નેચર બ્રિજ પાસે એક પરપ્રાંતિય માછીમારી બોટ હોવાની શંકાના આધારે ઓખા મરીન પોલીસ સાથે એલસીબી, એસઓજી સહિતના પોલીસ કાફલાએ ચાર શખ્સો સાથેની ફિશિંગ બોટલ ઝડપી લઇ અને તેમાંથી મૂળ તામિલનાડુ રાજ્યના કોઇમ્બતુર ખાતે રહેતા અને એરોસ્પેસ એ.પી.સી.ના મિકેનિકલ એન્જિનિયર અશોકકુમાર અય્યપન મુથુરેલા નામના 37  વર્ષના શખ્સ સાથે માછીમારીનો વ્યવસાય કરતા ત્રણ ઈરાની નાગરિકો એવા મુસ્તુફા મહમદ સઈદ બલુચી (ઉ.વ. 38), જાશેમ અલી ઇશાક બલુચી (ઉ.વ. 25) અને અમીરહુસેન અલી શાહકરમ બલુચી (ઉ.વ. 19) નામના ચાર શખ્સોને આ બોટમાંથી દબોચી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમિલનાડુના કોઇમ્બતુર ખાતેના પાલયમના મૂળ વતની અને ઓમાન દેશના મસ્કત ખાતે રહેતો આનંદકુમાર અય્યપન મુથુરેલા નામના 35 વર્ષનો શખ્સ કે જે બોટમાં આવેલા અશોકકુમાર મુથૂરેલાનો નાનો ભાઈ થાય છે, તેને પણ ઓખાથી દબોચી લેવામાં આવ્યો હતો.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતનું 10 ગ્રામ હેરોઈન, અઢી લાખની ઈરાની રીયાલની ચલણી નોટો, જીપીએસ ડીવાઈસ, સેટેલાઈટ ફોન, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, વિગેરે સહિતનો મુદ્દામાલ કબજે કરી, આ પ્રકરણમાં એસ.ઓ.જી. પોલીસે તપાસ હાથમાં લીધી હતી.

આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ તપાસનીસ અધિકારી ઇન્ચાર્જ પી.આઈ. પ્રશાંત સીંગરખીયા દ્વારા ઝડપાયેલા તમામ પાંચ આરોપીઓને ઓખાની અદાલતમાં રજૂ કરી, આ શખ્સો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કે કેમ? તેઓ સાથે અન્ય કોઈ શખ્સોને સંતવાણી છે કે કેમ? સહિતના વિવિધ મુદ્દે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને નામદાર અદાલતે આરોપીઓના આગામી તારીખ ૬ ઓક્ટોબર સુધીના બપોરના 12 વાગ્યા સુધીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પ્રકરણમાં વધુ કેટલીક બાબતો પણ પ્રકાશ પડે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News