WHOના વડોદરા સહિત ગુજરાતના તમામ સાત યુનિટો બંધ કરાશે
image : Social media
World Health Organization : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) ગુજરાતમાં પોતાના તમામ સાત યુનિટ બંધ કરશે અને તેમાં કામ કરતી ટીમને હવે સર્વેન્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ હેઠળ તેમનો સમાવેશ કરવામાં આવશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી થોડા સમય પૂર્વે અમેરિકા ખસી ગયું હતું અને તેણે ડબલ્યુએચઓને અપાતું તમામ ફંડિંગ પણ રોકી દીધું હતું. જે બાદ વર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કેટલાક કાર્યક્રમો અને ખર્ચમાં સતત ઘટાડો કરવાનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત ડબલ્યુએચઓ દ્વારા ગુજરાતમાં વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર સહિતના યુનિટને બંધ કરવાની અથવા તેઓના સ્ટાફને રાજ્ય સરકાર અંતર્ગત આવતા વિભાગમાં તબદીલ કરવાની ચર્ચા શરૂ થઈ હતી. રાજ્ય સરકારે ડબલ્યુએચઓના યુનિટના એસએમઓ, એસએસએમઓ, આસિસ્ટન્ટ એનાલિસ્ટ સહિતના સ્ટાફને હવે ડબલ્યુએચઓમાં કાર્ય કરવાના બદલે તેઓને સર્વેન્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત કાર્ય કરવાની જવાબદારી આપવામાં આવશે. જેથી ડબલ્યુએચઓ દ્વારા નિયુક્ત આ યુનિટ દ્વારા વેક્સિન, પ્રિવેન્ટેબલ ડીસીઝ અંગે પોલિયો, નિઝલ્સ, રૂબેલા જેવા ડીસીસનું કાર્ય થતું હતું તે હવે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ આવી જશે. ઉલ્લેખનીય છે કે વડોદરા ખાતે જિલ્લા પંચાયતમાં ડબલ્યુએચઓનું યુનિટ કાર્યરત હતું.
WHOમાંથી અમેરિકા ખસી જતા ફંડિંગને વ્યાપક અસર થઈ છે
ડબલ્યુએચઓમાંથી અમેરિકા ખસી જતા તેને મળતા ફંડિંગમાં ખૂબ મોટી અસર પડી છે. કારણ કે ડબલ્યુએચઓને અપાતા ફંડિંગમાં અમેરિકા સૌથી મોખરે હતું. અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા બાદ તેઓએ ડબલ્યુએચઓમાંથી ખસી જવાનો અને ડબલ્યુએચઓને અમેરિકા દ્વારા પુરા પડાતા તમામ ફંડને રોકી દીધું હતું. તે પછી ડબલ્યુએચઓ દ્વારા થતા અનેક કામો અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓને અસર થઈ રહી છે. ડબલ્યુએચઓને જે ફંડ આવતું હતું તેમાં ઘટાડો થતાં ડબલ્યુએચઓએ દેશના દરેક રાજ્યને તેમને ત્યાં યુનિટ ચાલવા અંગે પ્રુછા કરી હતી. જેમાં ગુજરાત સરકારે ડબલ્યુએચઓના યુનિટના સ્ટાફને સર્વેન્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ હેઠળ સમાવવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત હાયર ઓથોરિટીને રિપોર્ટ પણ સુપ્રત કરી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.