એથર ઇન્ડસ્ટ્રીઝની ગોઝારી આગની ઘટનામાં ફોરેન્સિક રિપોર્ટ સિવાય તમામ તપાસ પુર્ણ
સચિનમાં આઠ કામદારોનો ભોગ લેનાર
- કલેકટરે
બનાવેલી સંયુકત તપાસ સમિતિની તપાસ પુર્ણ પણ દુર્ઘટના કઇ રીતે બની ? તેનું ચોક્કસકારણ હજુ
બહાર આવ્યું નથી
સુરત
સચીન જીઆઇડીસીની એશર ઇન્ડસ્ટ્રીઝ લિ.માં બનેલી ઘટનાને લઇને સુરત જિલ્લા કલેકટર દ્વારા બનાવાયેલી તપાસ કમિટીમાંથી એફએસએલ સિવાયના તમામ ટીમની તપાસ પૂર્ણ કરી દેવાઇ છે.માત્ર ફોરેન્સિક વિભાગનો રિપોર્ટ બાકી હોવાથી તેની વાટ જોવાઇ રહી છે. હાલમાં તબક્કે પણ ગોઝારી ઘટના કઇ રીતે બની ? તે કારણ બહાર આવ્યું નથી.
સચીન જીઆઇડીસીની એથર ઇન્ડસ્ટ્રીઝ લિ.માં લાગેલી ભયાનક આગમાં આઠ કર્મચારીના મોત નિપજયા છે. અને ૨૭ જેટલા સારવાર હેઠળ છે. આ ઘટના કેવી રીતે બની અને કારણ શુ છે ? તે જાણવા માટે સુરત જિલ્લા કલેકટર દ્વારા જીપીસીબી, પાલિકાના ફાયર વિભાગ, સચીન જીઆઇડીસી પોલીસ ઇન્સ્પેકટર, એફએસએલ અને ઇલેકટ્રીક અને ફેકટરી ઇન્સ્પેકટરની એક સંયુકત ટીમ બનાવીને તપાસ સોંપાઇ હતી. આ ટીમમાંથી એફએસએલ સિવાય તમામ ટીમ દ્વારા તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા મુજબ એફએસએલ દ્વારા ઘટના સ્થળેથી સેમ્પલો લઇને તપાસની કામગીરી પૂર્ણ કરી દીધી હોવા છતા હજુ સુધી કયા કારણોસર આગ લાગી હતી. અને આગના કારણ સહિતના પ્રાથમિક કે સંપુર્ણ રિપોર્ટ કમિટી સમક્ષ રજુ કરાયા નથી. જેથી એફએસએલના રિપોર્ટ કેટલા સમયમાં કલેકટર સમક્ષ રજૂ થાય છે તેના પર મીટ મંડાયેલી છે.