પૂર્વ ટીપીઓ સાગઠીયા સહિત ચારેય આરોપીઓ 12 દિવસના રિમાન્ડ પર
બે આરોપીઓને હથકડી,સાગઠીયાના હાથ ખુલ્લા રાખ્યા સાગઠીયા અને મકવાણાને પોલીસ રિપોર્ટ મળ્યા બાદ મનપા દ્વારા સસ્પેન્ડ કરાશે ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અફ્સરોએ 4 વર્ષમાં કેવી કેવી લાપરવાહી દાખવી,કોની સાથે સાંઠગાંઠ હતી તેની તપાસ થશે
રાજકોટ, : રાજકોટના નાનામવા રોડ પર ટીઆરપી ગેમઝોનના 3000 ચો.મી.માં ગેરકાયદે બાંધકામમાં આગ લાગે તો કોઈ બચે નહીં તેવી બેદરકારી રાખીને 28 નિર્દોષ નાગરિકોમાં દર્દનાક મોત નીપજાવવાના તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા IPC ક. 304, 308, 36 સહિતના ગુનામાં રાજકોટ મહાપાલિકાના પૂર્વ ટી.પી.ઓ. મનોજ સાગઠીયા, એ.ટી.પી. મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તથા ફાયર ઓફિસર રોહિત વીગોરાની ધરપકડ કરાયા બાદ આજે સાંજે કોર્ટમાં 14 દિવસની રિમાન્ડ માંગણી સાથે રજૂ કરાતા અદાલતે 12 દિવસી પોલીસ રિમાન્ડ મંજુર કરી છે.
આ માનવસર્જિત અગ્નિકાંડની તપાસ કરતા રાજકોટની 'સિટ'ના ડી.સી.પી.(ક્રાઈમ) પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે ચાર આરોપીઓને મહાપાલિકામાં જે ફરજ-સત્તા સોંપાઈ હતી તે તેમણે ગેમઝોનના સંદર્ભમાં ચાર વર્ષ દરમિયાન કઈ રીતે બજાવી છે, ક્યા ક્યા પ્રકારની લાપરવાહી રખાઈ છે અને આ ચાર આરોપીઓની સાથે અન્ય ક્યા ક્યા ઈસમોની સાંઠગાંઠ હતી તે સહિતના મુદ્દા પર તપાસ કરવા માટે રિમાન્ડ માંગવામાં આવી હતી અને આજથી ૧૨ દિવસની રિમાન્ડ કોર્ટે મંજુર કરી છે.
કોર્ટમાં આજે ચારેય આરોપીઓ કે જે મહાપાલિકામાં સત્તા ભોગવી ચૂક્યા છે તેમને ગુનાના કામે રજૂ કરતા બે આરોપીઓને હાથકડી પહેરાવવામાં આવી હતી પરંતુ, પૂર્વ ટી.પી.ઓ.સાગઠીયાના હાથ ખુલ્લા રખાયા હતા.
ચાર પૂર્વ અધિકારીઓની ગુનાના કામમાં ગંભીર પ્રકારની સંડોવણી ખુલી છે જેમાં (1) પૂર્વ એ.ટી.પી.મુકેશ મકવાણાએ આઠ-દસ પહેલા અનધિકૃત બાંધકામ બદલ નોટિસ આપી પરંતુ, તેણે તથા (2) પૂર્વ એ.ટી.પી.ગૌતમ જોષીએ આ ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી કરી નહીં. (3) આ બન્ને એ.ટી.પી.ની ઉપર સત્તા ભોગવતા એમ.ડી.સાગઠીયાએ આ અનધિકૃત બાંધકામ સામે આંખ આડા કાન કર્યા જ્યારે (4) ફાયર એન.ઓ.સી. વગર ચાલતા ગેમઝોનને સીલ કરવાની સત્તા ફાયરબ્રિગેડને હોવા છતાં ફાયર ઓફિસર વિગોરાએ પણ આ કાર્યવાહી કરી નહીં. હવે આ ચારેયએ પોતાની ફરજ કેમ ન બજાવી તે માટે કોઈનું દબાણ હતું કે પોતે જ વહીવટ કર્યો હતો તે સહિતના મુદ્દે સઘન તપાસ થશે તેવો સિટ દ્વારા નિર્દેશ અપાયો છે.
સમગ્ર ગુજરાતને હચમચાવનાર રાજકોટના અગ્નિકાંડમાં પ્રથમ દિવસે જ તા.૨૫ના બાંધકામ પ્લાન મંજુર નહીં હોવા છતાં તેને ચાર વર્ષથી ચાલવા દેવાયાનું ખુલ્યું હતું. જેના પગલે પ્રથમ સાગઠીયા પાસેથી ટી.પી.ઓ.નો ચાર્જ મ્યુનિ.કમિશનરને બદલે સરકારે આંચકી લીધો હતો. બાદમાં બે દિવસ પહેલા તેની મનપામાં ચાલુ મીટીંગમાંથી પોલીસે ઉઠાવી જઈ પુછપરછ શરુ કરીને ગઈકાલે સાંજે તેની ધરપકડ કરી હતી. જ્યારે આ ઘટના બની તે વોર્ડ નં. 10ના હાલના એ.ટી.પી.ગૌતમ જોષીને અગાઉ સસ્પેન્ડ કરાયા હતા અને મુકેશ મકવાણા આ વોર્ડમાં અગાઉ એ.ટી.પી. હતા. જે બન્નેની તેમજ ફાયર ઓફિસર વિગોરાને સસ્પેન્ડ કરાયા બાદ ધરપકડ કરાઈ હતી. આમ, મુકેશ મકવાણા અને સાગઠીયાની ગુનાના કામે અટક થયાના રિપોર્ટ મળ્યા બાદ મનપા દ્વારા હવે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.