રાજકોટના અગ્નિકાંડના 18મા દિવસે તમામ 9 આરોપીઓ જેલ હવાલે
હવે પુરાવાઓ મેળવી ચાર્જશીટ કરવા સિટની તજવીજ : એક આરોપી હજૂ વોન્ટેડ, એક આરોપીનું અગ્નિકાંડમાં મોતઃ વધુ આરોપીઓની ધરપકડ બાબતે રહસ્ય
રાજકોટ, : ગુજરાતને હચમચાવનાર અને સત્તાવાર રીતે બાળકો સહિત ર૭ જણાનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનાં અઢારમાં દિવસે તમામ નવ આરોપીઓ હવે જેલ હવાલે થઈ ગયા છે.
આ અગાઉ કિરીટસિંહ જાડેજા અને ત્યારબાદ યુવરાજસિંહ સોલંકી, નિતીન લોઢા, રાહુલ રાઠોડ અને ધવલ ઠકકર સહિત પાંચ આરોપીઓ રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે થયા હતા. રાજકોટ મનપાના વિવાદાસ્પદ અને સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપી ગૌતમ જોશી, બીજા એટીપી મુકેશ મકવાણા અને ફાયર બ્રિગેડના અધિકારી રોહિત વીગોરાના આજે રિમાન્ડ પુરા થતાં તપાસ કરતી સિટે કોર્ટમાં રજૂ કરતાં જેલ હવાલે કરાયા હતા.
આ કેસમાં કુલ નવ આરોપીઓની ધરપકડ થઈ હતી. જયારે મુખ્ય આરોપી પ્રકાશ હિરન અગ્નિકાંડમાં જ ભુંજાઈ ગયો હતો. જયારે એક આરોપી અશોકસિંહ જાડેજા હજુ વોન્ટેડ છે.
સિટના સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં આ નવ સિવાયના કોઈ આરોપીઓના નામો ખુલ્યા નથી. હજૂ તપાસ ચાલુ છે. બીજા કોઈ આરોપીઓ વિરૃધ્ધ જો દસ્તાવેજી અને સાંયોગિક પુરાવાઓ મળશે તો તેમની પણ ધરપકડ કરાશે.
અત્યાર સુધીમાં જે પણ સાક્ષીઓના નિવેદનો લેવાયા છે તેના આધારે બીજા જરૃરી પુરાવા મેળવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આરોપીઓ વિરૃધ્ધ સજ્જડ પુરાવા સાથેનું ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરાશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની સિટની તપાસમાં કોઈ પોલીસ અધિકારી કે નેતાઓની સંડોવણી નહીં ખુલ્યાનું જાહેર કરી દેવાયું છે. એટલું જ નહીં માર્ગ મકાન વિભાગ અને પીજીવીસીએલના અધિકારીઓને પણ મહદ્દ અંશે કલીનચીટ અપાઈ ગઈ છે.
આજે જેલ હવાલે કરાયેલા પૂર્વ ટીપીઓ સાગઠીયાની ટૂંક સમયમાં ક્રાઈમ બ્રાંચ નકલી મીનિટસ બુક બનાવવાના ગુનામાં જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરશે. રાજકોટના અગ્નિકાંડની સર્વગ્રાહી તપાસ માટે રાજય સરકાર દ્વારા સિટની રચના કરવામાં આવી હતી. જયારે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ માટે પણ સિટની રચના કરવામાં આવી હતી. આ બંને સિટની તપાસ તમામ નવ આરોપીઓ જેલ હવાલે થઈ ગયા પછી પણ જારી રહેશે અને લાંબો સમય ચાલે તેવી શકયતા છે.