બિલકિસ બાનો કેસના તમામ 11 દોષિતોએ આત્મસમર્પણ કર્યું, સુપ્રીમ કોર્ટનો હતો આદેશ
બિલકિસ બાનો કેસના 11 દોષિતોએ પંચમહાલ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું
Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બિલકિસ બાનો કેસના 11 દોષિતોએ પંચમહાલ જેલમાં આત્મસમર્પણ કર્યું છે. દોષિતોએ રવિવારની રાત્રે આત્મસમર્પણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે 8મી જાન્યુઆરીએ દોષિતોની સજાની માફીને રદ કરી હતી અને તેમને 21મી જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે 8મી જાન્યુઆરીએ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો
ગુજરાતના બહુચર્ચિત બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે એઠમી જાન્યુઆરી 2024ના રોજ એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરથના (B. V. Nagarathna)ની બેન્ચે આ કેસમાં 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો, ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવા પણ કહેવામાં આવ્યું હતું.
શું છે બિલકિસ બાનો મામલો?
2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સમયે બાનોની ઉંમર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008ના રોજ CBIની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. ગયા વર્ષે 15 ઓગષ્ટના રોજ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા.