નર્મદા નદીમાં ઘોડાપૂર: ડેમમાંથી પાણી છોડાતાં 25 ગામોમાં ઍલર્ટ, અધિકારીઓને પણ કડક સૂચના
Release Of Water In Narmada River : સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં વધારો થયેલો જોવા મળે છે, ત્યારે ડેમની વધતી સપાટીને ધ્યાનમાં રાખીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આ દરમિયાન નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના 25 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે આ ગામડાઓના તલાટી અને તાલુકાના પ્રાંત અધિકારીને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે સાવચેતી રાખવાની સાથે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે 25 ગામડાઓના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે.
મલ્હારરાવ ઘાટના 108માંથી 53 પગથિયા પાણીમાં ડૂબ્યા
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને પગલે મધ્ય, દક્ષિણ, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈના યાત્રાધામ ચાંદોદમાં નર્મદા નદી બંને કાંઠે વહેતી જોવા મળે છે. તેવામાં મલ્હારરાવ ઘાટ અડધો ખાલી હોવાથી હાલની સ્થિતિએ નર્મદા નદી ભયજનક સપાટીથી બહાર છે. જ્યારે નદીમાં પાણી છોડવામાં આવતા મલ્હારરાવ ઘાટના 108માંથી 53 પગથિયા પાણીમાં ડૂબી ગયા છે. બીજી તરફ, નર્મદા નદીમાં પાણી છોડવાની સાથે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓને ગોઠવી દેવામાં આવ્યાં છે.
નર્મદા નદી કિનારાના 25 ગામડાઓને સતર્ક રહેવાની સૂચના
વડોદરા જિલ્લાના ઈન્ચાર્જ કલેક્ટરે જણાવ્યું હતું કે, 'નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાની સાથે નદી કિનારા શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, કંજેઠા, માંડવા, દરિયાપૂરા, મોથેલા, ઝાંઝડ, સુરાશામળ, ડભોઈ તાલુકાના નંદેરિયા, ચાંદોદ, કરનાળી અને કરજણ તાલુકાના સોમજ, દેલવાડા, અરજપુરા, પુરા, આલમપુરા, નાની કોરલ, મોટી કોરલ, રાજલી, લીલાઈપુરા, જૂના સાયર, ઓઝ, સાગરોલ સહિત 25 ગામડાઓને સાવચેતી રાખવાની સાથે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે આ ગામડાઓના તલાટી અને તાલુકાના પ્રાંત અધિકારીને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તેને લઈને યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.' આ સાથે 25 ગામડાઓના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે.
આપત્તિજનક સ્થિતિમાં બચાવ કાર્ય હાથ ધરવા હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
વહીવટી તંત્રને સાવચેતી રાખવાના સાથે નર્મદા નદીના કિનારાના ત્રણેય તાલુકાના ગામડાઓ લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં આપત્તિજનક સ્થિતિમાં સર્જાય તો હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પૂરની સ્થિતિ પર દેખરેખ રાખવા માટે વડોદરા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ કાર્યરત છે, ત્યારે મુશ્કેલીની સ્થિતિમાં બચાવ કાર્ય હાથ ધરવા માટે 1077 નંબર જાહેર કરવામાં આવ્યો છે.