મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો: ભુજમાં 17 વર્ષીય કિશોરે ગેમ હારી જતાં કર્યો આપઘાત
Bhuj News : હાલના ટેક્નોલોજીના યુગમાં બાળકોને મોબાઇલનું વલગણ લાગી ગયું છે. ઘણીવાર આ મોબાઇલ ભૂત ભારે પડી શકે છે. આવો એક કિસ્સો ભુજના એક નાનકડા ગામમાંથી સામે આવ્યો છે. ભુજના મોખાણા ગામે મોબાઈલ ફોનમાં ગેમ હારી જતાં કિશોરે ઝેરી દવા પીને જિંદગીનો કરૂણ અંત આણી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 17 વર્ષીય કાર્તિક કાનજીભાઇ મેરીયાએ ગત 4 જાન્યુઆરીના નિંદામણ બાળવાની ઝેરી દવા પી લેતા તેને કાનજીભાઈ મેરીયા ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તેઓનું 8મી જાન્યુઆરીના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પથ્થર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી.પરમારના જણાવ્યા પ્રમાણે હતભાગી કિશોર ઘરે મોબાઈલમાં કોઈ ગેમ રમતા તે હારી ગયો હતો. જેના આઘાતમાં તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. હતભાગીનો મોબાઈલ કબજે લેવામાં આવ્યો છે. આ કિશોર કઈ ગેમ રમતો હતો તે તપાસ દરમિયાન બહાર આવવા પામશે.