નર્મદ યુનિ.ની હોસ્ટેલમાં દારૃની મહેફિલ : એક વિદ્યાર્થી પકડાયો, ત્રણ ભાગી ગયા
- ફરિયાદ મળતા રજીસ્ટ્રારે હોસ્ટેલ વોર્ડન સાથે છાપો માર્યો : નશામાં પકડાયેલો વિદ્યાર્થી સસ્પેન્ડ કરાયો : છાપા પહેલા ફરાર ત્રણ વિદ્યાર્થીની શોધખોળ
સુરત
નર્મદ યુનિવર્સિટી કેમ્પસની વિવેકાનંદ હોસ્ટેલમાં થર્ડી ફસ્ટની રાત્રીના કેટલાક વિદ્યાર્થીઓ દારૃની મહેફિલ માણી રહ્યા હોવાની ફરિયાદ મળતા રજિસ્ટ્રાર, હોસ્ટેલ વોર્ડન અને સિકયુરીટીઓફિસરની ટીમે દરોડા પાડીને એક વિદ્યાર્થી ચિક્કાર દારૃ પીધેલી હાલતમાં ઝડપી પાડયો હતો. જયારે ત્રણેક વિદ્યાર્થીઓ ભાગી છુટયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ વિદ્યાર્થીને હાલ સસ્પેન્ડ કરી દેવાયો છે.
નર્મદ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટીવલ દરમ્યાન એક વિદ્યાર્થી કેમ્પસમાંથી દારૃની બોટલો કોથળામાં ભરીને લાવીને કુલપતિ સમક્ષ ઠાલવ્યાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યારે મંગળવારની રાત્રીના થર્ડી ફસ્ટની નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ વિવેકાનંદ બોયઝ હોસ્ટેલના રૃમ નં.૧૪ માં કેટલાક વિદ્યાર્થીઓ દારૃની મહેફિલ જામવી છે. આ ફરિયાદ રજિસ્ટ્રાર આર.સી ગઢવીને મળતા તુરંત જ હોસ્ટેલ વોર્ડન ભરત ઠાકોર અને સિકયુરીટી ઓફિસર મેહુલ મોદી સાથે હોસ્ટેલના રૃમ નં.૧૪ માં પહોંચ્યા હતા.
જયાં એક વિદ્યાર્થી નામ સંદીપ (નામ બદલ્યુ છે) દારૃનો નશો કરેલ હાલતમાં મળી આવતા તુરંત જ વેસુ પોલીસને જાણ કરતા પી.એસ.આઇ આર.ડી.દેસાઇ અને ટીમ આવી પહોંચી હતી. વિદ્યાર્થી તોતડાતા હતો અને શરીર સંતુલન પણ જાળવી શકતો ના હોવાથી બ્રીફ એનાલાયઝર મશીન મારફત ચેક કરતા આલ્કોહોલની માત્રા જણાય આવી હતી. જયારે તેની બેગમાંથી સેલ ફોર ઇન ઉતરપ્રદેશ ઓનલીની વ્હીસ્કીની બોટલ મળી આવી હતી.આથી આ વિદ્યાર્થી વિરુદ્ર વેસુ પોલીસ સ્ટેશનમાં હોસ્ટેલ વોર્ડન ભરત ઠાકોર દ્વારા પ્રોહીબિશન એકટની કલમ ૬૫ (એ) મુજબ ફરિયાદ નોંધાવતા તપાસ શરૃ થઇ છે. આ દરોડા પહેલા ત્રણ વિદ્યાર્થીઓ ભાગી છુટયા હોવાથી આગામી દિવસોમાં આ ત્રણેયની શોધખોળ કરીને ત્રણેય વિરુદ્ર કાર્યવાહી કરવામાં આવશે. નર્મદ યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ વિદ્યાર્થીને હાલ પુરતો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.