VIDEO: જામનગરના આકાશમાં લહેરાયો એરફોર્સની સૂર્યકિરણ ટીમનો તિરંગો, જોઈને કહેશો અદ્ભુત
Air Show In Jamnagar : જામનગરમાં ઍરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ગઈ કાલે શનિવારે અદ્ભુત એર શૉ યોજાયો હતો. જ્યારે સતત બીજા દિવસે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા પ્રજાસત્તાક દિવસે અદ્ભુત અને અકલ્પનીય એર શૉ યોજવામાં આવ્યો હતો. બે દિવસીય એર શૉના આજે બીજા દિવસે સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એક સાથે 9 વિમાનો વડે આકાશમાં દિલધડક કરતબો કરી જામનગરવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સૂર્યકિરણ ટીમના હોક Mk-132 એરક્રાફ્ટમાં રંગીન ધુમાડો ઉત્પન્ન કરવામાં સક્ષમ સ્મોક પોડ્સનું ઇન્ટીગ્રેશન કરવામાં આવ્યું. આ એડવાન્સમેન્ટ ભારતીય વાયુસેનાના બેઝ રિપેર ડેપો નાસિક ખાતે વિકસાવવામાં આવી હતી. જેમાં ટીમ દ્વારા હવાઈ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજના રંગો કેસરી, સફેદ અને લીલો આકાશમાં પ્રદર્શિત કરાયાં.
જામનગર ખાતે ઈન્ડિયન ઍરફોર્સ દ્વારા બે દિવસીય અદ્ભુત એર શૉનું યોજાયો હતો. જેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરાયું.
પ્રજાસત્તાક પર્વ નિમિતે રાષ્ટ્રધ્વજના રંગો કેસરી, સફેદ અને લીલોરંગોનું આકાશમાં પ્રદર્શન કરાયું હતું. જેને જોતા સૌ કોઈના શ્વાસ થંભી ગયા હતા. ઉપરાંત સૂર્યકિરણ ટીમના 9 હૉક Mk132 વિમાનો દ્વારા વિવિધ શ્રુંખલાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં વિવિધતામાં એકતાની થીમ, અંગ્રેજી આલ્ફાબેટ, ડીએનએની શૃંખલા વગેરે દ્વારા સૂર્યકિરણની ટીમે જામનગરવાસીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. પ્રજાસત્તાક દિવસે ઍરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાયેલો અદ્ભૂત એર શૉ હંમેશાની માટે યાદગાર રહેશે.
જામનગરમાં આયોજિત આ એર શૉ નિહાળવા માટે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ઝાલા, પ્રાંત અધિકારીઓ, ઍરફોર્સના અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દુનિયાભરમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 700થી વધુ પ્રદર્શન
સૂર્યકિરણ એરોબેટિક ટીમ(SKAT)ની સ્થાપના વર્ષ 1996માં કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરુદ ધરાવે છે. SKAT દ્વારા ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 કરતાં વધુ પ્રદર્શન કરવામાં આવ્યા છે. SKATમાં ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ ધરાવતા 9 હૉક Mk132 વિમાનો સામેલ કરાયા.