વડોદરાના પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં શિયાળાની રાત્રે દૂષિત હવાની સમસ્યા
image : Freepik
Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવા, ન્યુ અલકાપુરી, સમતા, નારાયણ ગાર્ડન વાળો રોડ વગેરે વિસ્તારમાં રાત્રે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ફેલાતી દૂષિત હવાનો મુદ્દો વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉઠ્યો હતો. સયાજીગંજ વિસ્તારના બેઠકના ધારાસભ્ય દ્વારા આ મુદ્દો ઉપસ્થિત કરતા એવો પણ સવાલ કર્યો હતો કે શું આપણે એવી કોઈ ઘટનાની રાહ જોઈને બેઠા છીએ? તેમણે જણાવ્યું હતું કે ઉપર જણાવેલા શહેરના વિસ્તારોમાં દૂષિત હવા શિયાળાના દિવસોમાં રાત્રે ભારે થતા નીચે બેસે છે અને વિસ્તારમાં ફેલાય છે. જેના કારણે હવામાં એક પ્રકારની કેમિકલ જેવી દુર્ગંધ પણ હોય છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. વિસ્તારના રહીશો આ અંગે ઘણી વખત રજૂઆત કરે છે, અને આવી દૂષિત હવા રાત્રે ન ફેલાય તે માટે કાર્યવાહી કરવા માંગ કરે છે. જો કે તેમની આ રજૂઆત પછી બેઠકમાં કલેકટર દ્વારા પ્રદૂષણ બોર્ડના અધિકારીઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે નિયમિત મોનિટરિંગ કરવામાં આવે છે. જેના લીધે દૂષિત હવા ફેલાવવાનો વિસ્તાર પણ ઘટ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કારેલીબાગ વિસ્તારમાં પણ ઘણી વખત રાત્રે દુર્ગંધ ફેલાવતી દૂષિત હવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહી છે. જ્યારે મકરપુરા વિસ્તારમાં કોર્પોરેશનની કચરાની ડમ્પીંગ સાઈટ પર તંત્રની જાણ બહાર ક્યારેક કોઈ કચરો સળગાવે ત્યારે સળગતા કચરાની પણ દુર્ગંધ ફેલાતી હોય છે. કચરો સળગ્યા બાદ ઘણી વખત તેજ હવાના કારણે આગના બનાવો પણ બન્યા છે અને ફાયર બ્રિગેડને આગ બુઝાવવા માટે તાબડતોબ દોડવું પડ્યું છે.