એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ મુકાયાની ધમકી, 180 મુસાફરો 16 કલાક બાદ વડોદરા પહોંચ્યા

Updated: May 16th, 2024


Google NewsGoogle News
એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ મુકાયાની ધમકી, 180 મુસાફરો 16 કલાક બાદ વડોદરા પહોંચ્યા 1 - image


Vadodara: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના એક દિવસ અગાઉ અમદાવાદની શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. ત્યારે બુધવારે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયાની સાંજની ફ્લાઈટમાં બોમ્બ મુકાયાની ધમકીના પગલે 180 મુસાફર અટવાઈ પડ્યા હતા. આ મુસાફરો આજે બપોરે 12 વાગ્યે વડોદરા સહી સલામત પહોંચતા પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ધમકીભર્યો પત્ર મળ્યો હતો

દિલ્હીથી બુધવારે સાંજે 6.20 કલાકે એર ઈન્ડિયાની ફ્લાઈટ વડોદરા આવવા માટે ઉપડવાની હતી. આ ફ્લાઈટમાં અંદાજે 180 મુસાફરો રાત્રે લગભગ 8.00 વાગ્યે વડોદરા પહોંચવાના હતા. પરંતુ ફલાઈટ ટેક ઓફ કરે તે પહેલા જ સીઆઈએસએફને મળેલા ધમકીભર્યા પત્રને કારણે અટકાવવામાં આવી હતી. આ ઉપરાંત સુરક્ષાના કારણોથી ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામા આવી હતી. તેમજ ફ્લાઇટની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવાઇ જતાં મુસાફરોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

મુસાફરોના સમાનનું ચેકિંગ કરાયું

આ પછી ફ્લાઈટની અંદર બેઠેલા મુસાફરોને કોઈપણ જાણકારી આપ્યા વગર જ તમામ સામાનનું ઝીણવટ ભરી રીતે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે રાત્રે 1:00 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. જેથી સાંજની ફ્લાઈટ રદ કરવી પડી હતી. તમામ મુસાફરોને નજીકની હોટલમાં રાત્રિ રોકાણ માટે મોકલવામાં આવ્યા હતા. આજે સવારે 10:30 કલાકે દિલ્હીથી વડોદરા ફ્લાઇટ જશે તેવી જાહેરાત કરતા મુસાફરોમાં રાહતની લાગણી પ્રસરી હતી.

તમામ મુસાફરો વડોદરા પહોંચ્યા

આજે 180 મુસાફરોને લઈને દિલ્હીથી વડોદરા એર ઇન્ડિયાની ફ્લાઈટ બપોરે 12:00 વાગ્યે સહી સલામત રીતે પહોંચી હતી. એર ઇન્ડિયા દ્વારા સિનિયર સિટીઝન અને બાળકોને યોગ્ય રીતે ચા નાસ્તો કે જમવાની વ્યવસ્થામાં વિલંબ થયો હતો તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ સિક્યુરિટીને કારણે 16 કલાક સુધી નવી ફ્લાઇટની રાહ જોઈને બેસવું પડ્યું હતું. પરંતુ સૌ મુસાફરો સહી સલામત રીતે વડોદરા પરત આવી પહોંચ્યા હતા તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.


Google NewsGoogle News