ગીરમાં ઈન્ટ્રુઝન ડિવાઈસ લગાવીશું જેથી સિંહોની ગતિવિધિ દૂરથી ખબર પડી જશે : હાઈકોર્ટમાં રેલવેનો રિપોર્ટ
Lion Accident: ગીરના જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરાયેલી જાહરેહિતની રિટની સુનાવણીમાં આજે રેલવે સત્તાવાળાઓ તરફથી સિંહોને બચાવવા અને તેમની સુરક્ષા સંબંધી લેવાયેલા પગલાં અને કામગીરી અંગેનો રિપોર્ટ રજૂ કરાયો હતો. રેલવે વિભાગ તરફથી એ પણ સ્પષ્ટ કરાયું હતું કે, આ કેસમાં છેલ્લી મુદ્દત બાદ એક પણ સિંહનું ટ્રેન અકસ્માતમાં અકાળે મોત નોંધાયું નથી.
ગીરમાં ઇન્ટ્રુઝન ડિવાઇસ ઇન્સ્ટોલ કરાશે
ગીર અભયારણ્ય ક્ષેત્રમાં ફાઇબર કેબલ અને એઆઇની મદદથી ઇન્ટ્રુઝન ડિવાઇસ ઇન્સ્ટોલ કરાશે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ કેસમાં કોર્ટ સહાયક અને રેલવે ઓથોરીટીના જવાબને ઘ્યાનમાં લીધા બાદ કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરી માસમાં મુકરર કરી હતી.
ચીફ જસ્ટિસે સિંહોના મોત પર રેલવે ઓથોરીટીનો ઉધડો લીધો
અગાઉ હાઇકોર્ટના નિર્દેશો છતાં ટ્રેનની અડફેટે વધુ બે સિંહોના મોત અને અન્ય બનાવમાં એક સિંહણ અને બે સિંહ બાળના મૃત્યુની ઘટનાને લઇ ચીફ જસ્ટિસે ફોરેસ્ટ અને રેલવે સત્તાવાળાઓનો ઉધડો લઇ નાંખ્યો હતો અને તેમનો જવાબ માંગ્યો હતો. દરમ્યાન રેલવે ઓથોરીટી દ્વારા સમગ્ર મામલે વિવિધ પગલાં લઇ અસરકારક કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગીરમાં જલસો પડશે ગોવાના બીચ જેવો, આગામી 24 જાન્યુઆરીથી ત્રણ દિવસ બીચ ફેસ્ટિવલ યોજાશે
જંગલ વિસ્તારમાં રેલવે ટ્રેકની આસપાસ ફાઇબર કેબલ નખાશે
જે અંગેનો રિપોર્ટ રજૂ કરતાં જણાવાયું કે, રેલવે વિભાગ દ્વારા ગીર અભયારણ્ય જંગલ વિસ્તારમાં જયાંથી રેલવે ટ્રેક પસાર થાય છે તેની બાજુમાં ફાઇબર કેબલ નાંખવામાં આવશે. આ સિવાય આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સની મદદથી ઇન્ટ્રુુઝન ડિવાઇઝ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેનાથી સિંહોની ગતિવિધિ 200 મીટર દૂરથી જાણી શકાશે. ગીર અભયારણ્ય ક્ષેત્રની અંદર અને બહાર આ ડિવાઇસ નાંખવામાં આવશે. આ તમામ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે, જે તા.10મી ફેબુ્રઆરી સુધીમા પૂર્ણ કરી દેવાશે.
આ સિવાય ગીર અભયારણ્ય વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનો માટે વિશેષરૂપે અંડર પાસ પણ ઉભા કરાયા છે તો, આ વિસ્તારમાં ઝાડી ઝાંખરા દૂર કરી સિંહોની સુરક્ષા માટે વિશાળ ફેન્સીંગની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે.