Get The App

અમદાવાદના આ 12 ટ્રાફિક જંક્શનો પાર કરવા એટલે માથાનો દુઃખાવો

કરોડોના ઓવર કે અંડર બ્રિજ છતાં ખાતર ઉપર દિવેલ જેવી સ્થિતિ

વાડજ, ઘોડાસર, પલ્લવ, પંચવટી, નહેરૂનગર સહિતના જંકશન ઉપર આયોજનના અભાવથી વાહન ચાલકો હેરાન

Updated: Jan 24th, 2023


Google NewsGoogle News
અમદાવાદના આ 12 ટ્રાફિક જંક્શનો પાર કરવા એટલે માથાનો દુઃખાવો 1 - image

અમદાવાદ, તા.24 જાન્યુઆરી-2023, મંગળવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે મંજુર કરવામાં આવતા વાર્ષિક અંદાજપત્રમાં શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિકની ગીચતાને નિયંત્રિત કરવા કરોડો રૂપિયાના ખર્ચથી ફલાય ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવામાં આવી રહયા છે.આમ છતાં વાડજ ઉપરાંત ઘોડાસર,પલ્લવ,પંચવટી,નહેરૂનગર સહિતનાકુલ ૧૨ ટ્રાફિક જંકશન ઉપર પીક અવર્સમાં વાહન ચાલકોને તેમના વાહન લઈને નીકળવુ પણ મુશ્કેલ બની જતુ હોય છે.મ્યુનિ.તંત્ર દ્વારા ફલાય ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા કોન્ટ્રાકટરને કામ સોંપાય અને તે બને ત્યાં સુધીમાં વાહનોની સંખ્યામાં બમણો વધારો થઈ જાય છે.આમ આયોજન વગર અપાતી કામગીરીને કારણે મુખ્ય જંકશન ઉપર વાહન ચાલકો પણ અટવાઈ પડતા હોય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર તરફથી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મુખ્ય ટ્રાફિક જંકશન ઉપર પીક અવર્સમાં પ્રતિ કલાક કેટલા ટુ વ્હીલ૨,થ્રી વ્હીલર અને કાર સહિતના અન્ય વાહનો પસાર થાય છે એ અંગેનો સર્વે કરાવવામા આવતો હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી રીસર્ચ એન્ડ મેનેજમેન્ટ,મણીનગર દ્વારા શહેરના મુખ્ય ટ્રાફિક જંકશન ઉપર પીકઅવર્સમાં પસાર થતા વાહનોને લઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.એ સમયે વાડજ જંકશન ઉપરથી પ્રતિ મિનીટે ૪૧૫થી વધુ વાહન અને પાંજરાપોળ જંકશન ઉપ૨થી દર મિનીટે ૧૩૦થી વધુ વાહન પસાર થતા હતા.આ ઉપરાંત પ્રગતિનગર, સતાધાર, શાસ્ત્રીનગર સહિતના જંકશન ઉપર પ્રતિ કલાક કેટલા વાહન પસાર થાય છે એ અંગે જે સમયે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફલાય ઓવરબ્રિજ,અંડરપાસ વગેરે બનાવવાનુ આયોજન કરવાનુ થાય એ સમયે મ્યુનિ.દ્વારા સર્વે હાથ ધરવામા આવતો હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો તેમના વાહન ઘરે મુકી નોકરી કે વ્યવસાયના સ્થળે જાય એ માટે એ.એમ.ટી.એસ.ની સાથે તેર વર્ષ અગાઉ બી.આર.ટી.એસ.ની સેવા શરુ કરી હતી.આ બંને સર્વિસ જંગી ખોટ તરફ ધકેલાઈ ગઈ છે.બી.આર.ટી.એસ.જયાં નથી પહોંચતી એવા વિસ્તારોમાં લોકોને તેમના ઘર સુધી પહોંચવા માટે એએમટીએસની બસ સેવા તથા ઈ-રીક્ષા પુરી પાડવાની તંત્રે જાહેરાત કરી હતી.આ જાહેરાતનો પણ તંત્ર આંશિક અમલ જ કરાવી શકયુ છે.પરિવારના તમામ સભ્યો પાસે એક-એક વાહન હોવાથી રહેઠાણ સ્થળે વાહન પાર્ક કરવાની પણ પુરતી સુવિધા નથી.આ પરિસ્થિતિમાં ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે બેબાકળા બની જતા શહેરીજનોને શહેરના મોટાભાગના તમામ મુખ્ય જંકશનો ઉપર પીક અવર્સમાં હેવી ટ્રાફિકની પરિસ્થિતિમા મિનીટો સુધી અટવાયેલા રહેવુ પડે છે.

અમદાવાદના આ 12 ટ્રાફિક જંક્શનો પાર કરવા એટલે માથાનો દુઃખાવો 2 - image


Google NewsGoogle News