ગુજરાતના વિકાસનું એન્જિન ગણાતાં અમદાવાદના મતદારો કેમ 'નીરસ'? જુઓ છેલ્લી 3 ચૂંટણીના આંકડા
Lok Sabha Elections 2024: ગુજરાતના ગ્રોથ એન્જિન તરીકે અમદાવાદની ગણના કરવામાં આવે છે. પરંતુ વાત મતદાનની કરવામાં આવે તો અમદાવાદ મતદાન કરવામાં નીરસ રહ્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ ઈસ્ટમાં 67.76 ટકા જ્યારે અમદાવાદ વેસ્ટમાંથી 60.81 ટકા જ મતદાન થયું હતું. ગુજરાતની 26 માંથી જે બેઠકોમાં સૌથી વધુ મતદાન થયું હોય તેમાં અમદાવાદની બંને બેઠકો ટોચની 15માં સ્થાન મેળવી શકી નહોતી.
વિધાનસભા બેઠકોમાં મતદાનનું પ્રમાણ 60 ટકાથી પણ ઓછું
અમદાવાદ ઈસ્ટમાંથી નરોડા બાપુનગર જ્યારે અમદાવાદ વેસ્ટમાંથી અમૂરવા, દરિયાપુર, જમાલપુર- ખાડિયાં જેવી વિધાનસભા બેઠકોમાં મતદાનનું પ્રમાણ 60 ટકાથી પણ ઓછું હતું. અમદાવાદ ઈસ્ટમાંથી સૌથી વધુ મતદાન 64.55 ટકા સાથે ગાંધીનગર દક્ષિણમાં જ્યારે અમદાવાદ વેસ્ટમાંથી મણિનગરમાં 63.32 ટકા સાથે સૌથી વધુ મતદાન થયું હતું. આમ, મતદાન કરવામાં અમદાવાદના મતદારો નીરસ રહ્યા છે.
અમદાવાદના મતદારો મતદાન કરવામાં નીરસ
અમદાવાદના મતદારો મતદાન કરવામાં નીરસ રહ્યા હોય તેવું છેલ્લી ઘણી લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું છે. 2009માં અમદાવાદ ઈસ્ટમાંથી 42.5 ટકા અમદાવાદ વેસ્ટમાંથી 48.22 ટકા, 2014માં અમદાવાદ ઈસ્ટમાંથી 61.59 ટકા, અમદાવાદ વેસ્ટમાંથી 62.93 ટકા જ્યારે 2019માં અમદાવાદ ઈસ્ટમાંથી 61.76 ટકા,અમદાવાદ વેસ્ટમાંથી 60.81 ટકા મતદાન નોંધાયું હતું.
મહિલા દ્વારા મતદાનનું પ્રમાણ ઘણું ઓછું
ખાસ કરીને અમદાવાદની મહિલાઓ મતદાન કરવામાં નીરસ જોવા મળી છે. 2019માં અમદાવાદ ઈસ્ટમાંથી મતદાનનું પ્રમાણ પુરુષોમાં 64.95 ટકા, મહિલાઓમાં 57.22 ટકા જ્યારે અમદાવાદ વેસ્ટમાંથી પુરુષોમાં 63.99 ટકા, મહિલાઓમાં 60.37 ટકા હતું.
આ વખતે પણ સોમવારની રજા લઈને અનેક લોકો બહાર ફરવા માટે ઉપડી ગયા છે. આ ઉપરાંત ગરમીને કારણે પણ મતદાન ઘટે તેવી ભીતિ સેવાઈ રહી છે. નિષ્ણાતોને મતે મતદાન કરવું તે દરેક નાગરિકની ફરજ છે અને તે એ અધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ.