શામળાજી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કાર પુલ પરથી 35 ફૂટ નીચે પટકાઇ, 4ના મોત
Car Accident Near Shamlaji: આજે દેવ દિવાળી છે, ગુજરાત માટે દેવ દિવાળીનો તહેવાર ગમગીન બની ગયો છે. આજે બે અલગ અલગ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં શામળાજીથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે આજે વહેલી સવારે સુરત-અંકલેશ્વર સ્ટેટ હાઇવે અન્ય એક અકસ્માતમાં ભાવનગરના પરિવારની કાર વૃક્ષ સાથે ટકરાતા 3ના મોત થયા હતા. એમ કુલ આજે 7 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શામળાજી મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કાર હાઇવે પર આવેલા પુલ પરથી 35 ફૂટ નીચે ખાબકી હતી. જેથી કારમાં સવાર ચારેય લોકોના મોત થયા હતા. જેમાં બે પુરૂષો, એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા છે.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સુરત હાઇવે પર અકસ્માત, ભાવનગરના પરિવારના 3ના મોત
અંકલેશ્વર સ્ટેટ હાઇવે પર હાંસોટ નજીક આજે શુક્રવારે વહેલી સવારે ભાવનગરના પરિવારને એક ગમખ્વાર નડ્યો હતો. જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે કારચાલકને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર હાંસોટ નજીક ભાવનગરનો પરિવાર સુરત જઇ રહ્યો હતો. તે દરમિયાન કાર ચાલકને ઝોંકુ આવી જતાં કાર ધડકાભેર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચાતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આમ આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.