VIDEO: અમદાવાદમાં ઓક્સિજન પાર્ક ખુલ્લો મૂકાયો, આ નાનકડા જંગલમાં બહાર કરતા છ ડિગ્રી ઓછું તાપમાન રહેશે
1.67 લાખ છોડ ધરાવતો આ ઓક્સિજન પાર્ક 27,200 ચોરસ મીટરમાં ફેલાયેલો છે
સુંદર તળાવ, પેવેલિયન, યોગ સ્થળ, ઓપન જિમ અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયાના પણ આકર્ષણ
Thalatej Oxygen Park Specialty : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને મોન્ટેકાર્લો ફાઉન્ડેશને ઑક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. એએમસીને સિંધુ ભવન રોડ પર 27,252 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. મોન્ટેકાર્લો ફાઉન્ડેશન દ્વારા આગામી 15 વર્ષ સુધી ઑક્સિજન પાર્કની જાળવણી કરવામાં આવશે. આ પાર્કની સૌથી મોટી ખાસીયત એ છે કે, અહીં બહાર કરતા છ ડિગ્રી ઓછું તાપમાન રહેશે.
ઓક્સિજન પાર્કની વિશેષતા
આ પાર્કમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને વૃદ્ધો માટે વોકિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. પાર્કમાં આઉટડોર જિમ, ડાયનેમિક પેવેલિયન, શાંત યોગસ્થળ જેવી સુવિધાઓ આવેલી છે. આ ઓક્સિજન પાર્કની વિશેષતા એ છે કે, અહીં તાપમાન સામાન્ય કરતા છ ડિગ્રી ઓછું હશે. ઓક્સિજન પાર્કની 27,200 ચોરસ મીટર જગ્યામાં 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારના ફૂલ-છોડ તેમજ વૃક્ષો વાવવામાં આવ્યા છે.
નવ કરોડના ખર્ચે તૈયાર કરાયો ઓક્સિજન પાર્ક
શહેરીજનોને હરવા-ફરવા માટે ગ્રીનરી તેમજ શુદ્ધ ઓક્સિજન મળે તે હેતુથી આ ઓક્સિજન પાર્ક તરીકે એક નાનું જંગલ બનાવાયું છે. પાર્કની 27,200 ચોરસ મીટર જગ્યામાં 1.67 લાખથી વધુ જુદાં જુદાં પ્રકારનાં ફૂલ-છોડ તેમજ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. આંબા, આમળા, આમલી, અરડૂસી, બદામ, બીલી, બોરસલ્લી, કચરાનર દેશી સાગ, જાંબુ, જામફળ, કદમ, કણજી વગેરે પ્રકારના મોટા રોપા તેમજ એક્ઝોરા, કરેણ સહિતના વિવિધ પ્રકારના ફૂલ-છોડ તેમજ ઝાડનું વૃક્ષારોપણ કરાયું છે. આ પાર્ક કુદરતી વાતાવરણનો તો અનુભવ કરાવશે જ, સાથે લોકોને મોર્નિંગ વોક તેમજ યોગા કરવા અનુકુળ જગ્યા પણ મળી રહેશે. આ ઓક્સિજન પાર્ક નવ કરોડના ખર્ચે તૈયાર કરાયો છે.
તળાવ કિનારે સાંજનો અનેરો નજારો પણ જોવા મળશે
આ પાર્કમાં એન્ટ્રન્સ પ્લાઝા, આકર્ષક ફ્રન્ટ વોલ બાઉન્ડ્રી, યુટિલિટી બ્લોક, પેવેલિયન, આકર્ષક બેઠક વ્યવસ્થા, નયનરમ્ય તળાવ, બાળકો માટે રમત-ગમતનાં સાધનો, ઓપન જિમનાં સાધનો, આકર્ષક વોકિંગ ટ્રેક વિથ માઇલ સ્ટોન, વાઇડ વોટર નેટવર્ક, મિયાવાકી પદ્ધતિ દ્વારા ગ્રીનરી ડેવલોપ, સાઇનેજીસ, બેન્ડ સ્ટેન્ડ વગેરે પ્રકારનાં આકર્ષણો બનાવાયા છે. આ પાર્કની સૌથી મોટી ખાસીયત એ પણ છે કે, તળાવ કિનારે સાંજનો અનેરો નજારો પણ જોવા મળશે.