ફ્રી લેફ્ટ ટર્ન કે રાઈટ ટર્ન, હજુ 30 ટકા અમદાવાદી તોડે છે ‘ટ્રાફિકના નિયમો’
હવે, પીક-અવર્સમાં ટ્રાફિકજામ સર્જતા વાહનચાલકો પર તવાઈ, નિયમ તોડવાની ટેવ પડી હોય તેવા લોકોની ખેર નથી
દબાણો હટાવવા, પેવર સહિતની કામગીરી કરી ટ્રાફિક માટે રસ્તા ખુલ્લા કર્યા
અમદાવાદ, તા.07 નવેમ્બર-2023, ગુરુવાર
અમદાવાદનો ટ્રાફિક દેશના અન્ય મહાનગરોની માફક સતત વધી રહ્યો છે પણ ટ્રાફિક સેન્સના દ્રષ્ટિકોણથી અમદાવાદીઓ ઘણાં જ પાછળ છે. સમય સાથે ચાલીને અમદાવાદ શહેર પોલીસે ટ્રાફિકની સરળ આવન-જાવન રહે તે માટે મુખ્ય ટ્રાફિક જંકશન ઉપર ફ્રી લેફ્ટ ટર્નના આયોજનો કર્યાં છે. આમ છતાં ફ્રી લેફ્ટ ટર્ન કે રાઈટ ટર્ન લેવાના મામલે ૩૦ ટકા આસપાસ અમદાવાદીઓ રોન્ગ ચાલી રહ્યાં છે. અંદાજે ૩૦ ટકા અમદાવાદીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરતાં ન હોવાથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. હવે નિશ્ચિત વાહનચાલકો ઉપર તવાઈ બોલાવવાની દિશામાં આગળ ધપી રહી છે.
કોરોનામાં અમદાવાદના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સાવ નહોતો તે સમયગાળા દરમિયાન ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંકલિત કામગીરી કરી છે. શહેરના મુખ્ય કહી શકાય તેવા મુખ્ય માર્ગો પહોળા બની ચૂક્યાં છે, ટ્રાફિક સિગ્નલ હોય તેવા ચાર રસ્તાઓ આસપાસના દબાણો હટાવવામાં આવ્યાં છે, રસ્તાઓ ઉપર કરવામાં આવતાં આડેધડ પાર્કિંગ ઉપર અંકુશ મેળવાયો છે તો રાહદારીઓ માટે ફૂટપાથો પણ ખુલ્લી રહે તેવા આયોજનોમાં તંત્ર અમુક અંશે સફળતા મેળવી છે. અન્ય મહાનગરોની માફક પીક-અવર્સમાં વાહનચાલકો અટવાઈ ન પડે તે માટે ફ્રી લેફ્ટ ટર્ન સહિતની યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકી શકાઈ છે. સિગ્નલ મેનેજમેન્ટ સુદ્રઢ બનાવવા સહિતની યોજનાઓ થકી ટ્રાફિક સરળતાપૂર્વક ચાલે તેવા પ્રયાસોને અમુક વાહનચાલકોની ઉતાવળ અને નિયમ તોડવાની ટેવ પડી હોવાના કારણે પૂર્ણરૂપે સફળ બન્યાં છે.
ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. તંત્રના એક સર્વે અનુસાર, લગભગ ૪૫ ટકા વાહનચાલકો લેન-સિસ્ટમથી વાહન ચલાવવાની આદત પાડી ચૂક્યાં છે. હજુ પણ લગભગ ૪૦ ટકા વાહનચાલકોએ તેમને જે દિશામાં જવાનું હોય તે લેનમાં ઉભા રહેવાની આદત પાડી નથી. અંદાજે ૩૦ ટકા વાહનચાલકો ટ્રાફિકના નિયમો તોડતાં હોવાથી ટ્રાફિક સમસ્યાના ઉકેલ સરળ બનવામાં મુશ્કેલી સર્જાય છે. અંદાજે પચ્ચીસ ટકા વાહનચાલકો એર-માર્કિંગ હોવા છતાં ટ્રાફિક નિયમો તોડી રહ્યાં છે. શહેરમાં ટ્રાફિક સરળતાપૂર્વક ચાલે તે માટે લેન ડ્રાઈવિંગ જરૂરી છે પણ તેનો પૂર્ણરૂપે અમલ કરાવવો મુશ્કેલ હોવાનું અધિકારી સૂત્રો કહે છે.
અધિકારીગણે જણાવ્યું કે, અમદાવાદ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સુદ્રઢ બનાવવા માટે નવી સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ અમલમાં મુકાઈ રહી છે. નવી સિસ્ટમથી કરાયેલા અભ્યાસ અનુસાર અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં ટુ-વ્હીલર ચાલકો અગ્રેસર છે. લગભગ ૬૫ ટકા ટુ વ્હીલર રાઈડર, ૩૦ ટકા કારચાલકો, ૩ ટકા બસ- ટ્રક જેવા મોટા વાહનો તેમજ ત્રણેક ટકા રાહદારીઓ ટ્રાફિકની સરળતામાં અવરોધ સર્જી રહ્યાં છે.
અમદાવાદ શહેર પોલીસ ત્રિપલ સવારી વાહનચાલકો, હેલમેટ કે સીટબેલ્ટ નહીં પહેરાનારાં, ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરનારાં સામે તવાઈ બોલાવતી આવી છે. પરંતુ, આ નિયમભંગ કરવાના મુદ્દે અમદાવાદીઓ સાવધ બની રહ્યાં છે. પરંતુ, ટ્રાફિક જામ અને ટ્રાફિકને અડચણ સર્જવામાં ડેન્જરસ શોર્ટકટ લેવા, રોન્ગ સાઈડમાં વાહન ચલાવવું, ફ્રી લેફ્ટ ટર્ન ખુલ્લા નહીં રાખવ ાતે ઉપર ગંભીર રીતે રાઈટ ટર્નમાં સાવ અચાનક જ ઘૂસી જવા જેવી અમુક વાહનચાલકોની માનસિકતા મોટી અડચણ સર્જી જાય છે. અમુક વાહનચાલકોની બેમર્યાદ ગતિ પણ ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોનું કારણ બની રહી હોવાનું સર્વેક્ષણમાં જણાયું છે.
સર્વેક્ષણમાં જણાયું છે કે, અમદાવાદમાં દોડતા વાહનોની સરેરાશ ગતિ પચ્ચીસથી ૩૫ કિલોમીટર વચ્ચે રહે છે. ટ્રાફિક સરળતાથી ચાલતો રહે તો વાહનચાલકોની વર્તણૂંક પણ સામાન્ય જણાય છે. સતત ટ્રાફિક જામ અને આડેધડ વાહન ચલાવનારાંથી પરેશાન ટુ વ્હીલર કે ફોર વ્હીલરચાલકના રક્ત પરિભ્રમણમાં બદલાવ જણાય છે. અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પેોરેશન તંત્રએ અલગ જ પધ્ધતિએ કરેલાં સર્વેક્ષણ બાદ નિયમ તોડવાની ટેવ પડી હોય તેવા વાહનચાલકોને ટાર્ગેટ કરવાની દિશામાં કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે. આધુનિક બની રહેલાં મહાનગરમાં લોકોની ટ્રાફિક - સેન્સ જેટલી જલ્દી બદલશે તેટલી જ વાહનોની અવરજવર સરળ બની શકે છે.