Get The App

જીવના જોખમે ખાવાની મજા: અમદાવાદમાં NOC, BU વિના રેસ્ટોરન્ટ-ફૂડકોર્ટ શરૂ થશે, આ નિયમો લાગુ

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Food Court



Ahmedabad Food Court Rules: રાજકોટમાં ઘટેલી ભયંકર દુર્ઘટના બાદ તંત્રએ સખત કાર્યવાહી કરી હતી. રાજ્ય સરકારની સૂચના મુજબ અમદાવાદની ફાયર NOC અને BU પરમિશન વગરની ઘણી મિલકતોને સીલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી હેઠળ 50થી વધુ ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ્સને સીલ કરાયા હતા. હવે સીલ કરાયેલા ફાયર NOC અને BU પરમિશન વગરના તમામ ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટને સંચાલકોની જવાબદારી પર ફરી ખોલી આપવાની પરમીશન મ્યુનિસિપલ કોર્પોરેશને આપી છે.


લોકોના જીવના જોખમે તંત્રએ પરવાનગી આપી

અમદાવાદની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ કોર્ટમાં ફાયર NOC હોવી જરૂરી છે. જેની પાસે ફાયરનાં સાધનો અને NOC હશે તે જ એકમ ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત સિલ કરાયેલા ફૂડ કોર્ટ કે રેસ્ટોરન્ટ જ્યાં સુધી ફાયરનાં સાધનો કે NOC ન લે ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહીં. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિર્ણય મુજબ આવા એકમો માત્ર 300 રૂપિયા ભરી ફરી ખોલી અપાશે. આ સ્થળો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે અને જો કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી સંચાલકોની જ રહેશે. તાજેતરમાં જ અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ ઊભાં થઈ ગયાં છે. છતાં પણ તેને ચાલુ રાખવામાં આવ્યાં છે. તેઓને બીયુ પરમિશન આપવામાં આવી નથી. છતાં પણ એસ્ટેટ વિભાગ દ્વારા તેમની વિરૃદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.


માત્ર રૂ.300 ભરી લોકોના જીવ સાથે રમાશે રમત

મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિયમ મુજબ સંચાલકો માત્ર રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં એક મહિનામાં ફાયર સેફ્ટી અને ત્રણ મહિનામાં બીયુ પરમિશન લેવાની બાંહેધરી લઈ  ફરીથી તેમના એકમો ખોલી આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આવી પરવાનગી અપાતા અનેક સવાલો ઊભા થયા છે. એક તરફ લોકોના જીવના જોખમને લઈને ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવી નથી. ત્યારે હવે સમય આપીને તંત્ર દ્વારા લોકોના જીવ સાથે ફરી ચેડાં કરવામાં આવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.


તંત્ર દ્વારા ગુનેગારોને છાવરવાનો પ્રયાસ?

સૂત્રો મુજબ હવે તંત્ર દ્વારા પરવાનગી આપી દેવાતાં વોર્ડ ઇન્સ્પેક્ટરો અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા તમામ એવા તમામ એકમો જેમની પાસે ફાયર NOC અને BU પરમિશન નથી છતાં તેમને સીલ નથી કરવામાં આવેલા તેવા તમામ લોકોને પણ બ્લુ પરમિશન અને ઇમ્પેક્ટ ફી માટે અરજી કરવાની બારોબાર સૂચના આપી દેવાઇ છે. જેના કારણે તેઓની સામે પણ કડક કાર્યવાહી ન થાય. તંત્રના આ વલણ પરથી એવું લાગી રહ્યું છે કે, તંત્ર ગુનેગારોને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે.


Google NewsGoogle News