અમદાવાદ-મુંબઈ વચ્ચે ટોલ ટેક્સનો વધારો મોકૂફ, ખખડધજ હાઈવે અંગેના ઉગ્ર વિરોધ બાદ લેવાયો નિર્ણય
Representative image |
Ahmedabad-Mumbai National Highway Toll Tax Hike: વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ ખખડધજ રસ્તાના કારણે ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટ્રાન્સપોર્ટરોના ઉગ્ર વિરોધ બાદ આ વધારાના નિર્ણયને ટોલ ટેક્સ એજન્સી દ્વારા મોકૂફ રખાયો છે. આ ઉપરાંત નવી સૂચના ન મળે ત્યાં સુધી ટોલ ટેક્સમાં વધારો વસુલવામાં આવશે નહીં.
વાપીના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનનો વિરોધ
વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેના ટોલ ટેક્સમાં એજન્સી દ્વારા ભારે વાહનોમાં ટોલ ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ચોમાસામાં આ હાઇવે ખાડા હાઇવે બની ગયો છે. આ હાઈવે સમારકામ કર્યા વિના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતા ટ્રાન્સપર્ટરો વિરોધ કર્યો હતો. વાપીના ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ટોલ ટેક્સ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. ત્યાર બાદ ટોલ ટેક્સ એજન્સી દ્વારા આ નિર્ણયને મોકૂફ રખાયો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના પ્રથમ બગવાડા ટોલ ટેક્સ પર રોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વાહનો પાસેથી વસુલવામાં આવે છે.
ટોલ ટેક્સ વસુલવા છતાં સુવિધાના નામે મીંડું
મુંબઈથી સુરત વચ્ચે આવતા વિરાર, ચારોટી, બગવાડા અને બોરિયાચ ટોલનાકા પર ટોલ ટેક્સમાં વધારો કરવાના નિર્ણયનો વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા વિરોધ કરાયો હતો.
આ પણ વાંચો: VIDEO: ભાજપના ફોટોજીવી મેયર, રક્તદાનનું નામ સાંભળતા જ ઊભા થઈને ભાગ્યા
પત્રકાર પરિષદમાં એસોસિયેશનના પ્રમુખ ભરત ઠાકરે માહિતિ આપતા જણાવ્યું કે, 'સરકાર દ્વારા ચાર ટોલનાકા પર કેટેગરી મુજબ 40થી 90 ટકા ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. બિસ્માર રસ્તાને કારણે વાહનોને ભારે નુકસાન થવાની સાથે અનેક મુશ્કેલી ઊભી થઈ છે. ટેક્સ વસુલવા છતાં સુવિધાના નામે મીંડું રહ્યું છે. ટોલનાકાની વર્ષ 2022માં 15 વર્ષની મુદત પૂર્ણ થયા બાદ સરકારે માત્ર નિભાવખર્ચ માટે માત્ર 40 ટકા ટેક્સ વસુલ કરવાનો બાંહેધરી આપવા છતાં ઘટાડો કરવાને બદલે વધારો કર્યો તે યોગ્ય નથી.'