મેટ્રો ટ્રેનને હવે શીલજ, બોપલ, વૈષ્ણોદેવી, ચાંદખેડા સુધી લંબાવાશે
2036ની ઓલિમ્પિક્સની યજમાનીની તૈયારીના ભાગરૂપે મોટેરાથી એરપોર્ટ સુધી પણ મેટ્રો દોડશે
અમદાવાદના 70 ટકાથી વધુ વિસ્તારને મેટ્રો કનેક્ટિવિટીથી જોડવા આયોજન
Preparations for hosting the 2036 Olympics: રમતના મહાકૂંભ ઓલિમ્પિક્સની યજમાનીની દાવેદારી કરવા માટે અમદાવાદ સજ્જ થઇ રહ્યું છે. ઓલિમ્પિક્સના ભાગરૂપે મેટ્રો ટ્રેનના રૂટને લંબાવવામાં આવે તેના માટે ચક્રો ગતિમાન થઇ ગયા છે. જેમાં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરને મણિપુર વાયા શીલજ ચાર રસ્તા સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંત વૈષ્ણોદેવી, ચાંદખેડાને સાંકળતા રૂટમાં પણ મેટ્રોને દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મેટ્રોની ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવી
હાલ મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી થલતેજ અને એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી દોડી રહી છે. હવે આવનારા ટૂંક સમયમાં મેટ્રો ટ્રેનને મોટેરા સ્ટેડિયમથી ગિફ્ટ સિટી, ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે. જેના માટે મેટ્રોની ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં જ મેટ્રોને હવે અમદાવાદના રૂટમાં લંબાવવાની તૈયારી શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરને મણિપુર વાયા શીલજ ચાર રસ્તામાં રેલવે લાઇનને સમાંતર દોડાવવામાં આવશે. આ રૂટમાં બોપલ, શેલા, ઘુમા જેવા સ્ટેશનને આવરી લેવામાં આવશે.
અમદાવાદનો 70 ટકા વિસ્તાર મેટ્રો હેઠળ
આટલું જ નહીં શીલજ ચાર રસ્તા પાસે નવી મેટ્રો લાઇનની કામગીરી પણ શરૂ કરાશે. આ રૂટની ટ્રેન એસપી રિંગ રોડ વૈષ્ણોદેવી, ચાંદખેડા થઇને મોટેરા પહોંચશે. જેના પગલે અમદાવાદનો 70 ટકા વિસ્તાર મેટ્રો હેઠળ આવી જશે.
મણિપુરમાં ઓલિમ્પિક્સ વિલેજ બનાવવામાં આવે તેવી સંભાવના
આ ઉપરાંત મોટેરાથી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે પણ મેટ્રો ટ્રેન દોડાવાશે. આ મેટ્રો ટ્રેન માટે અમદાવાદમાં અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવામાં આવે તેવી સંભાવના છે. ગિફ્ટ સિટીના રૂટમાં પણ મેટ્રો ટ્રેનને લંબાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેટેલાઇટ, પ્રહલાદ નગર, સરખેજ વિસ્તારમાં ફીડર બસ દોડાવવા પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ ફીડર બસ મેટ્રો સ્ટેશન સુધી પહોંચાડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અમદાવાદના મણિપુરમાં ઓલિમ્પિક્સ વિલેજ બનાવવામાં આવે તેવી સંભાવના છે. જેના પગલે આ મેટ્રો ટ્રેન મણિપુર સાથે મહત્તમ કનેક્ટિવિટી મળે તેવું આયોજન છે.