VIDEO: અમદાવાદમાં સાત ઈંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, પાંચ અન્ડરબ્રિજ બંધ, શેલામાં બસ સમાઈ જાય એટલો ભૂવો
Ahmedabad Heavy Rain : અમદાવાદ શહેરમાં બપોરથી શરૂ થયેલો વરસાદ ચાર જ કલાકમાં સાત ઈંચ ખાબકી ગયો હતો. આ સ્થિતિમાં શહેરના રસ્તા પર જાણે નદી વહેતી હોય એવા દૃશ્યો સર્જાયા હતા. આ દરમિયાન શહેરના પાંચ અન્ડરબ્રિજ પણ વાહનચાલકોની સુરક્ષા ખાતર બંધ કરવાનો વારો આવ્યો હતો. પહેલા જ ભારે વરસાદમાં સ્થાનિક તંત્રની પોલ ખૂલી ગઈ હતી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. બીજી તરફ, પોશ ગણાતા શેલા વિસ્તારમાં ક્લબ O7 રસ્તા પર આખેઆખી બસ સમાઈ જાય એવડો મોટો ભૂવો પડી ગયો હતો.
સુરતનાં પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
સોસાયટીઓના બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાયા
અમદાવાદમાં બપોરે 12:30 વાગ્યા બાદ ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન ચાર જ કલાકમાં સરેરાશ ત્રણ ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. પશ્ચિમમાં સૌથી વધુ વરસાદ ગોતા, સાયન્સ સિટી, ચાંદલોડિયા, નારણપુરા, ઘાટલોડિયામાં પડ્યો છે. આ ઉપરાંત બોપલ, ઘુમા, શેલાથી લઈને વેજલપુર, શ્રીનંદનગર, જુહાપુરાથી લઈને છેક ચાંદખેડા સુધી સરેરાશ ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. પૂર્વ વિસ્તારની વાત કરીએ તો કાળુપુર, દરિયાપુર, મણિનગર, નારોલ, વટવા અને નરોડામાં પણ સરેરાશ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન સાંજે છ વાગ્યા પછી પણ અમદાવાદના લગભગ તમામ વિસ્તારમાં ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે પાણી ઓસર્યા નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્તારોની અનેક સોસાયટીના ભોંયરામાં આવેલા પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા છે.
વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને મુશ્કેલી
અમદાવાદમાં ભયાનક વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાયા હોવાના કારણે સરખેજ ગાંધીનગર હાઈ વે પર વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હતી. આ કારણસર અનેક વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. એટલું જ નહીં, રસ્તે જઈ રહેલા અનેક દ્વિચક્રી વાહનચાલકોના વાહનો પણ બંધ થઈ ગયાના દૃશ્યો જોવા મળ્યા હતા. ગોતામાં પોચી જમીનના કારણે બે એમટીએસ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં મુસાફરોને કોઈ ઈજા થઈ નથી.
શહેરના પાંચ અંડરબ્રિજ બંધ કરવા પડ્યા
અમદાવાદમાં ભારે વરસાદના પગલે અખબાર નગર, ગોતા, મીઠાખળી, મકરબા અને ત્રાગડમાં અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો હતો.
અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ, આઠ જિલ્લામાં રેડ એલર્ટ
ચાર ડિગ્રી તાપમાન ઘટી જતા લોકોને રાહત
અમદાવાદમાં સવારથી જ વાતાવરણમાં વાદળિયા તાપ અનુભવાયો હતો, પરંતુ બપોર સુધી વરસાદનું આગમન થતાં તાપમાન ચાર ડિગ્રી ઘટી ગયું હતું. આજે સવાર સુધી અમદાવાદનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ વરસાદને પગલે ત્રણેક વાગ્યાથી જ તાપમાન 27 ડિગ્રીએ પહોંચી ગયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આજે રાતે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.