અમદાવાદમાં ડેન્ગ્યૂનો કહેર, પ્રદૂષિત પાણીથી ફેલાયો રોગચાળો, પાણીના 969 સેમ્પલ અનફીટ, ઓગસ્ટમાં 345 કેસ
પાણીના કુલ 36721 સેમ્પલ, કલોરીનની તપાસ કરવા કુલ 1,23,070 સેમ્પલ લેવાયા
શહેરમાં પાણીપુરી સહિતની લારીઓ ઉપર કલોરીનની ગોળીઓ આપવાની કામગીરી શરૂ
Ahmedabad Dengue Epidemic : અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરવા પાછળ પ્રદૂષિત પાણી કારણભૂત હોવાનું તારણ સામે આવ્યુ છે.આઠ મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરા પાડવામાં આવતા પાણી ઉપરાંત બોરવેલના પાણીના તપાસ માટે લેવામાં આવેલા સેમ્પલ પૈકી 969 સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. મધ્ય, દક્ષિણ અને પૂર્વ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સૌથી વધુ અસર જોવા મળી છે. શહેરમાં પાણીપુરીની લારીઓ ઉપર કલોરીનની ગોળીઓ આપવાની આરોગ્ય વિભાગે શરુઆત કરી છે.
પાણીના કુલ 36721 સેમ્પલ તપાસ માટે લેવાયા
શહેરમાં વધી રહેલા રોગચાળા સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા હેલ્થ અને ઈજનેર વિભાગને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન,બોરવેલ સહિતના અન્ય તમામ સ્તોત્રની તપાસ હાથ ધરવા સુચના આપી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડોકટર ભાવિન સોલંકીએ કહ્યું કે, વર્ષ-2024ના આરંભથી ઓગસ્ટ-2024 સુધીમાં સાત ઝોનમાંથી પાણીના કુલ 36721 સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા હતા. આ પૈકી 969 સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.
કલોરીનની તપાસ કરવા કુલ 1,23,070 સેમ્પલ લેવાયા
કલોરીનની તપાસ કરવા કુલ 1,23,070 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકી 4668 સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો. દાણીલીમડા, ઈન્દ્રપુરી, બહેરામપુરા, વટવા ઉપરાંત લાંભા વોર્ડમાં પાણીમા અનેક સ્પોટ ઉપર કલોરીન જોવા મળ્યુ નહતુ. ઉપરાંત ખાડીયા, જમાલપુર, ગોમતીપુર તથા કુબેરનગર વોર્ડમાં પણ અનેક સ્પોટ ઉપર પાણીમાં કલોરીનની માત્રા જોવા મળી નહોતી.શહેરના સ્લમ વિસ્તારમાં કલોરીનની ગોળીઓનુ વિતરણ કરવામાં આવી રહયુ છે.ઉપરાંત જયાં પાણીપુરીની લારીઓ ઉભી રાખવામા આવે છે તેવા પાણીપુરીવાળાઓને પણ પાણીમાં કલોરીનની ગોળીઓ નાંખવા માટે આપવામા આવી રહી છે.
વસ્ત્રાલની કીશોરીનું ડેન્ગ્યૂની સારવાર દરમિયાન મોત
અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના 345 કેસ નોંધાઈ ગયા છે. દરમિયાન મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થના કહેવા મુજબ, વસ્ત્રાલ વોર્ડની એક બાર વર્ષની કિશોરીને ડેન્ગ્યૂ થતા તેને સારવાર માટે એસ.વી.પી.હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.જયાં સારવાર દરમિયાન પાંચ દિવસ અગાઉ મોત થયુ હતુ.