અમદાવાદમાં મહિલાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં રાજસ્થાનનો વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો
સીટીએમમાં ટ્રક ડ્રાઈવરનું કામ કરતો આરોપી સહિત 3 હવસખોરો સામે રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી
આરોપી ટ્રક ડ્રાઈવર વિવિધ રાજ્યમાં ફરતો રહેતો હોવાથી તે આજદિન સુધી પોલીસની પકડમાં આવ્યો ન હતો
અમદાવાદ, તા.22 ઓગસ્ટ-2023, મંગળવાર
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે સીટીએમ વિસ્તારમાં મહિલાનું અપહરણ તથા દુષ્કર્મ કરવાના ગુનામાં 11 વર્ષની વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી મુખારામ ઉર્ફે મુખીયા શિવનારાયણ ગુર્જર (રહે.કરૌલી, રાજસ્થાન) અને અન્ય 2 સામે વર્ષ 2007 ફરિયાદ નોંધાઈ હતી.
આરોપી સીટીએમમાં જ ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો
પ્રાપ્ત થતી વિગતો મુજબ રામોલ પોલીસ સ્ટેશનમાં સીટીએમ વિસ્તારમાં રહેલી મહિલાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ કરાયું હોવાની 2012માં ફરિયાદ નોંધાઈ હતી. તે દરમિયાન આરોપી 2007થી સીટીએમમાં રહી ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો, જ્યારે ફરીયાદી અને તેનો પરિવાર પણ તે ટ્રક ડ્રાઈવરના પરિવાર સાથે રહેતો હતો.
3 હવસખોરોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું
2 માર્ચ-2012ના રોજ આરોપી મુખારામ, તેનો ભાઈ અને અન્ય એક વ્યક્તિની બદદાનત બગડતા ત્રણેયે ભેગા મળી આરોપીના પરિવાર સાથે રહેતી મહિલાને રાત્રી દરમિયાન ઉપાડી ગયા હતા અને તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન પીડિતાનો પતિ ત્યાં આવી જતા તમામ આરોપીઓ ભાગી ગયા હતા. ત્યારબાદ પીડિતા અને તેણીના પતિએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદની જાણ થતાં આરોપી વતન ભાગી ગયો
આરોપીને તેની સામે ફરિયાદ થઈ હોવાની જાણ થતાં તે વતન ભાગી ગયો હતો. આરોપી ટ્રક ડ્રાઈવર હોવાથી જુદા જુદા રાજ્યમાં ફરતો રહેતો હતો, જેના કારણે તે આજદિન સુધી પોલીસની પકડમાં આવ્યો ન હતો. આમ આરોપી મુખારામ 11 વર્ષથી રામોલ પોલીસના ચોપડે વોન્ટેડ હતો.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીને સાબરકાંઠાથી પકડી પાડ્યો
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા અપહરણ તથા દુષ્કર્મના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપી મુખારામ ઉર્ફે મુખીયા શિવનારાયણ ગુર્જર (રહે.કરૌલી, રાજસ્થાન)ને પકડી પાડ્યો છે. આરોપીને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નિકોડા ગામેથી ગઈકાલે પકડી પાડી તેની સામે કલમ 41(1) મુજબ ધરપકડ કરવામાં આવી છે.