અમદાવાદમાં વૃદ્ધ મહિલાઓના દાગીના સેરવી લેનાર સુરતના પતિ-પત્ની અને જમાઈની ધરપકડ
આરોપીઓ સામે રાજ્યના વિવિધ 8 પોલીસ સ્ટેશનમાં કુલ 8 ગુના : ત્રણે આરોપીએ સુરત ગ્રામ્યના
તાજેતરમાં જ વાસણા અને વસ્ત્રાપુરમાં વૃદ્ધ મહિલાોના દાગીના સેરવી લેવાનો મામલો સામે આવ્યો હતો
અમદાવાદ, તા.21 ઓગસ્ટ-2023, સોમવાર
અમદાવાદ શહેર પોલીસે વાસણા અને વસ્ત્રાપુર વિસ્તારમાં વૃદ્ધ મહિલાઓને વાતોમાં મશગુલ કરી સોનાના-ચાંદીના દાગીના સેરવી લેનારા પતિ, પત્નિ અને જમાઈની ધરપકડ કરી છે. તાજેતરમાં જ આ બે વિસ્તારમાં દાગીના સેરવી લેવાની ઘટના અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને ઝોન-7 લોકલ ક્રાઈ બ્રાન્ચે બંને ગુનાનો ભેદ ઉકેલી 3 શખસોની ધરપકડ કરી રૂપિયા 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ત્રણેય આરોપીઓ સુરત ગ્રામ્યના
વાસણા વિસ્તારમાં વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની 16મી ઓગસ્ટે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જે અંગે ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વાસણામાંથી આરોપીઓ (1) ઈકબાલ કમરુદિન શેખ, ઉ.વ.40 (2) સલમા ઈકબાલ શેખ, ઉ.વ.42 અને (3) હૈદર અસલમ શેખ, ઉ.વ.29 (તમામ રહે.કોસંબા ગામ, તા.માંગરોળ, જિ.સુરત ગ્રામ્ય)ની ધરપકડ કરી છે.
આરોપીઓ પાસેથી રૂ.4,04,800નો મુદ્દામાલ જપ્ત
આરોપીઓ પાસેથી રૂ.3,66,300 લાખના દાગીના, ત્રણ મોબાઈલ ફોન, 1 બાઈક (કિં.રૂ.20,000) મળી કુલ 4,04,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આમ ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહાઠગ ટોળકીને પકડી પાડી 2 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. વાસણા અને વસ્ત્રાપુર પોલીસે આરોપીએ સામે કલમ 406, 420 અને 114 મુજબ ગુનો નોંધાયો હતો.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
આરોપીઓ ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ આરોપીઓ સામે રાજ્યના વિવિધ 8 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલા છે. આરોપીઓ સામે રાજુલા, મહુવા, રાજકોટ તાલુકા, ભાવનગર ગંગાજળીયા, પોરબંદર કમલાબાગ, કલોલ શહેર, ગોધરા એ ડિવિઝન અને વડોદરા ગ્રામ વરણામા પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.