રામોલમાં ચપ્પાના ઘા મારી એકની હત્યા કરનાર આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ
2 વ્યક્તિઓએ આરોપીની લોડિંગ રિક્ષાનો દરવાજો ખોલી નાખતા મટન નીચે પડી ગયું હતું અને પબ્લિક એકત્ર થઈ ગઈ હતી
પબ્લીક એકત્ર થતા આરોપી ભાગી ગયો હતો : આ બાબતની અદાવત રાખી આરોપીએ યુવાનને ચપ્પુના ઘા મારી મોત નિપજાવ્યું
અમદાવાદ, તા.06 મે-2023, શનિવાર
તાજેતજમાં રામોલ લક્કી પાન પાર્લર આંબા હોટલ જનતાનગર પાસે જાહેરમાં ચપ્પાના ઘા મારી એક વ્યકિતની જાહેરમાં હત્યા કરવાની ઘટના બની હતી. ત્યારે આ હત્યામાં સંડોવાયેલા આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી માઈનખાન સુલતાનખાન પઠાણ (ઉ.વ.૩૬ રહે. એ/૫૬ જસનગર સોસાયટી, જનતાનગર,પરિશ્રમ એસ્ટેટ પાસે, રીંગ રોડ, રામોલ) વિશાલા સર્કલ શાસ્ત્રીબ્રીજથી કેનાલ તરફના રોડ પરથી ઝડપી પાડ્યો છે.
આરોપી ગઈ તા.30મી એપ્રિલે રવિવારે લોડિંગ રિક્ષામાં મીરઝાપુર સરકારી મટન માર્કેટ ખાતેથી મટન લઈને બાપુનગર સુન્દરમ મેદાન ખાતે રહેતા ફરહાનને આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન એક્ટિવા પર આવેલ મુઝફફરઅહમદ તથા તેની સાથે અન્ય એક વ્યક્તિએ વસ્ત્રાલ આકૃતિ ફ્લેટ પાસે લોડીંગ રિક્ષા પાછળનો દરવાજો ખોલી નાખ્યો હતો, જેના કારણે ધરતી ફ્લેટ નજીક બમ્પ પાસે લોડીંગ રિક્ષામાંથી મટન પડી જતા, ત્યાં પબ્લીક એકત્ર થઈ ગઈ હતી અને માઈનખાન ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના અંગે તેની વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશન ગુનો નોંધાતા પોલીસે તેની 30મી એપ્રિલે અટક કરી હતી.
આરોપીએ જુની અદાવત રાખી યુવકને છરીના ઘા ઝીંકી મોત નિપજાવ્યું
આ બાબતની આરોપી માઈન ખાને પોતાને ગૌમાંસમાં ફસાવવા માગતો હોવાની અદાવત રાખી તા.2જી મેએ સાંજે આબા હોટલ જનતાનગર ખાતે લક્કી પાન પાર્લર પાસે આવ્યો હતો અને અહીં ઉભેલા મુઝફફર અહમદ જફરઅહમદ પઠાણને છરીના બે ઘા છાતીના ભાગે તથા એક ઘા જમણા હાથ પર મારી મોત નિપજાવ્યું હતું. આ ઘટના અંગે આરોપી માઈન ખામ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો, જેમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આરોપી અગાઉ વર્ષ-૨૦૧૭માં ખૂનના પ્રયાસના ગુનામાં રામોલ પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો.