કેનેડામાં વિઝા અને જોબ ના નામે ઠગાઇ કરનાર એજન્ટ ચાર વર્ષે બેંગ્લોરથી આવતાં જ ઝડપાઇ ગયો
વડોદરાઃ કેનેડામાં વિઝા અને જોબ અપાવવાના નામે ફતેગંજમાં ઓફિસ ધરાવતા આકાશે એક યુવક પાસેથી રૃપિયા ખંખેરી લેતાં પોલીસે ચાર વર્ષ બાદ તેને ઝડપી પાડયો છે.
સલાટવાડામાં રહેતા દીપસિંહ ડોડિયા નામના યુવકે કોવિડ દરમિયાન નોકરી ગુમાવતાં તેને કેનેડા જવા માટે આકાશ ધિલ્લોને રૃ.૧૫ લાખનો ખર્ચ થશે તેમ કહી પ્રોસેસ ચાલુ કરી હતી.
ફતેગંજમાં ઓફિસ ધરાવતા આકાશે ટુકડે ટુકડે રૃ.૧.૬૦ લાખ પડાવ્યા હતા અને ડોક્યુમેન્ટ પણ મંગાવ્યા હતા.તેણે વિઝાની તૈયારી માટે પણ માહિતી મોકલી હતી.પરંતુ ત્યારબાદ તેનો ફોન બંધ થઇ ગયો હતો.
યુવકે સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં ચાર વર્ષથી ફરાર આકાશને ક્રાઇમ બ્રાન્ચે પણ શોધવાનો પ્રયાસ કર્યો હતો.આજે સવારે તે બેંગ્લોરથી ફતેગંજના ગજાનંદ ચેમ્બર્સ ખાતેના મકાને આવતાં જ પોલીસે તેને ઝડપી પાડયો હતો.