વિદેશમાં નોકરીના નામે ચીટીંગ કરતી કંપનીમાં વડોદરાના યુવકને ગોંધી રાખી અત્યાચાર ગુજારનાર એજન્ટ મુંબઈ એરપોર્ટથી પકડાયો
Vadodara Crime : વડોદરાના એક યુવકને વિદેશમાં નોકરી આપવાના નામે ઓનલાઈન ઠગાઈ કરતી કંપનીમાં ગુનાહિત કામ સોંપી પુરી રાખનાર ગેંગ સામે ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે માનવ તસ્કરીના ગુનામાં એજન્ટને ઝડપી પાડ્યો છે.
વડોદરાના યુવકને વિયેતનામમાં જોબ અપાવવાના નામે યુનિક એમ્પ્લોમેન્ટ સર્વિસ (વિશ્વ મોહિની કોમ્પલેક્ષ, સુભાનપુરા) માં બોલાવી રૂ.1.5 લાખ લીધા હતા. પરંતુ વિયતનામમાં કંપની બંધ થઈ ગઈ હોવાનું કહી કંબોડિયામાં નામ વગરની કંપનીમાં જોબ આવી હતી. જે કંપનીમાં વિડીયો કોલ કરીને બ્લેકમેલિંગ કરવાનું તેમજ બેન્ક એકાઉન્ટ હેક કરવાનું કામ કરવામાં આવતું હતું.
યુવકે આ નોકરીનો ઇનકાર કરતા તેની પાસે ચાઈનીઝ અધિકારીએ 2820 ડોલર જમા કરવા કહ્યું હતું, જો આ રકમ જમા ન કરે તો 2000 ડોલરમાં તેને વેચી દેશે તેવી ધમકી પણ આપી હતી. વડોદરાના યુવકને 34 દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ જમવાનું પણ આપ્યું હતું.
યુવકનો માંડ માંડ છુટકારો થતા તેણે વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે એમ્પ્લોયમેન્ટ સર્વિસના ડાયરેક્ટર મનીષ હિંગુ, ક્રિષ્ના પાઠક તેમજ કંબોડિયા વિયત નામના એજન્ટ વકીલ અહમદ ઉર્ફે વીકી રઈશ અહમદ (ધર્મપુરા,ન્યુ દિલ્હી,મૂળ યુપી) સામે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે આરોપી સામે લુક આઉટ નોટિસ પણ ઇસ્યુ કરી હતી. જેને આધારે એજન્ટ વિકી મુંબઈ એરપોર્ટ પર આવતા એરપોર્ટ ઓથોરિટી વડોદરા ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી અને ક્રાઈમ બ્રાન્ચે તેની મુંબઈથી અટકાયત કરી હતી.