Get The App

અન્ય ગ્રાહકોના ડોક્યુમેન્ટને આધારે બારોબાર સીમકાર્ડ વેચતો એજન્ટ પકડાયો

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
અન્ય ગ્રાહકોના ડોક્યુમેન્ટને આધારે બારોબાર સીમકાર્ડ વેચતો એજન્ટ પકડાયો 1 - image


ગાંધીનગર એસઓજીએ પેથાપુર નજીકથી ઝડપી લીધો

૧૫ સીમકાર્ડ સહિત ૫૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર :  હાલમાં કોઈપણ સીમકાર્ડ ખરીદતા પહેલા આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ જરૃરી છે ત્યારે અન્ય ગ્રાહકોના આધાર કાર્ડનો ઉપયોગ કરીને તેમના નામે સીમકાર્ડ કઢાવી તેને બરોબર વેચી દેતા એરટેલ કંપનીના એજન્ટને ગાંધીનગર એસોજીએ ઝડપી લીધો છે અને ૧૫ સીમકાર્ડ સહિત ૫૧ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં સીમકાર્ડનો કેટલાક વ્યક્તિઓ દ્વારા બોગસ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સ્થિતિમાં ગાંધીનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી વાળા દ્વારા સ્ટાફના માણસોને આ પ્રકારનું રેકેટ ચલાવતા તત્વોને પકડવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એસ ઓ જીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એરટેલ કંપનીનો એજન્ટ સાગર સદાજી ચૌહાણ રહે. ફતેપુરા, વાઘેલા સાહેબના ફાર્મ ઉપર, મૂળ રહે દોલારાણા વાસણા કંપનીના પ્રિ-એકટીવ કરેલા સિમકાર્ડ રાખી કોઈપણ પ્રકારના આધાર પુરાવા લીધા વગર સિમકાર્ડનુ વેચાણ કરે છે. જેને પેથાપુર ફતેપુરા ત્રણ રસ્તા નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પાસેથી એરટેલ કંપનીના ૧૫ સિમકાર્ડ મળી આવ્યા હતા. જેમાથી ચાર સીમકાર્ડ એક્ટિવ કરેલા હતા. સાગર છેલ્લા બે મહિનાથી સિમકાર્ડ વેચવા માટે એરટેલ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે. કંપની તરફથી તેને એરટેલ મિત્રા એપ્લિકેશન ઓપરેટ કરવા આઈડી - મોબાઇલ આપવામાં આવેલો છે. જેનાં થકી ગ્રાહકોને સીમકાર્ડનું વેચાણ કરતો હતો. આસાનીથી આથક ફાયદો મેળવવા સાગર એરટેલ કંપનીના સિમકાર્ડ ખરીદી કરવા માટે આવતા ગ્રાહકોના આધારકાર્ડની વિગત એરટેલ મિત્રા એપ્લિકેશનમાં લોગ ઇન થઈને ફોર્મ ભરતો હતો અને એક સિમકાર્ડ ગ્રાહકને આપી દેતો હતો. બાદમાં એજ ગ્રાહકના આધારકાર્ડ સહિતના જરૃરી દસ્તાવેજોનો બીજી વખત ઉપયોગ કરી અન્ય વ્યક્તિઓના ફોટા અપલોડ કરી પ્રિ-એકટીવ સીમકાર્ડ પોતાની પાસે રાખી લેતો હતો. હાલ તેની પાસેથી ૫૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News