ધ્રાંગધ્રાના નિમકનગરની સીમમાંથી શંકાસ્પદ હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો
- પોલીસે લાશને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી
- વાડીમાં પાણી લેવા બાબતે બોલાચાલી બાદ તિક્ષ્ણ હથિયારથી આધેડની હત્યા કર્યાની ચર્ચા
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના નીમકનગર (કુડા) ગામના વાડી વિસ્તારમાંથી એક આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આધેડનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલખસેડી વધુ તપાસ હાથધરી હતી. જ્યારે આધેડની હત્યા નીપજાવી હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું હતું.
ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર (કુડા) ગામની સીમમાં આવેલી વાડી વિસ્તારમાં બપોરના સમયે એક આધેડની લાશ પડી હોવાની આસપાસના ખેડૂતો ગ્રામજનોને જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. આ મામલે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસ કરતા મૃતક આધેડ મુળ ધ્રાંગધ્રાના કંકાવટી ગામના અને હાલ નિમકનગર વાડી વિસ્તારમાં રહેતા માવજીભાઈ કાનાભાઈ ઠાકોર (ઉ.વ.૬૫) હોવાનું સામે આવ્યું હતું. આધેડના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
લોકમુખે થતી ચર્ચા મુજબ આધેડને બાજુની વાડીમાં પાણી લેવા બાબતે માથાકુટ થઈ હતી. જેમાં લોખંડનો ઘણ પેટના ભાગે મારી હત્યા નિપજાવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે આધેડનીના મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જ માલુમ પડશે. જે મામલે તાલુકા પોલીસે ફરિયાદની પણ તજવીજ હાથ ધરી છે. મોડી સાંજ સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધાવા પામી નહોતી.