વઢવાણના યુવકને વધુ વ્યાજ વસુલવા મારમારતા બે વ્યાજખોર સામે ફરિયાદ
- દસ ટકા વ્યાજ સાથે મુદ્દલ ચુકવવા છતાં ધમકી આપતા હતા
- યુવકે વ્યાજે નાણાં લેવાની ભારે કિંમત ચૂકવવી છતાં છૂટકારો ન મળ્યો, આખરે પોલીસના શરણે
સુરેન્દ્રનગર : વઢવાણ શહેરી વિસ્તારમાં રહેતા યુવકે બે શખ્સો પાસેથી વ્યાજે લીધેલ રકમ વ્યાજ સાથે ચુકવી દીધી હોવા છતાં બન્ને વ્યાજખોરો દ્વારા વધુ રકમ માંગી કડક ઉધરાણી કરી યુવકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રાસ ગુજારતો હોવાની ફરિયાદ ભોગ બનનાર યુવકે બે શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વઢવાણ માળીયાપા વિસ્તારમાં રહેતા યુવક હર્ષ ઉર્ફે કાનો મહેન્દ્રભાઈ ત્રિવેદી (ઉ.વ.૨૪)એ રતનપરમાં રહેતા સત્યપાલસિંહ ઝાલાની ફાયનાન્સ ઓફિસેથી ૨૦૧૮મા રૂા.૨ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. દર મહિને વ્યાજની રકમ તેમજ મુડી ચુકવી દીધી હોવા છતાં ફરિયાદી પાસે બીજા રૂા.૪ લાખની કડક ઉધરાણી કરી સત્યપાલસિંહ અવાર-નવાર માર મારતા હતા.
આ ઉપરાંત ફરિયાદીના પિતાને મગજની બિમારી હોવાથી તેમની સારવાર માટે રતનપરમાં રહેતા સોમાભાઈ ભાડકા પાસેથી રૂા.૩ લાખ ત્રણ મહિનામાં જ્યારે પરત આપવાના થાય ત્યારે વ્યાજ સહિત રૂા.૬ લાખ દેવાનું નક્કી કર્યું હતું પરંતુ ફરિયાદી વ્યાજ ચુકવી શક્યા નહોતા અને મુડીના રૂા.૩ લાખ પાછા આપી દીધા હોવા છતાં બીજા વ્યાજના રૂા.૩ લાખની કડક ઉધરાણી કરી અવાર-નવાર ફરિયાદી અને તેમના પિતાને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફરિયાદીએ સત્યપાલસિંહ ભગવતસિંહ ઝાલા ( રહે.નેમીનાથ સોસાયટી, રતનપર) અને સોમાભાઈ માવજીભાઈ ભાડકા (રહે.દતાત્રેય મંદિર પાસે, રતનર) સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ જીલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીનું દુષ્ણ ડામવા લોકદરબાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ વ્યાજખોરોને પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે.