2001ના ભૂકંપની 'સક્રિય ફોલ્ટલાઈન'થી 24 વર્ષે પણ 5ની તિવ્રતાનો આફ્ટરશોક અનુભવાયો
- કચ્છમાં મંગળવારે રાત્રીના આંચકાનું નિષ્ણાતો દ્વારા પૃથક્કરણ- 'ડરવાની જરૂર નથી'
- મંગળવારે આવેલા પાંચની તિવ્રતાવાળા ભૂકંપનું કેન્દ્રબિંદુ વાગડના અમરસર ગામથી ચાર કિ.મી. દૂર મીઠાના ખેતરોમાં જમીનથી આશરે ૨૩.૬ કિ.મી. ઊંડાઈએ હતું
- ભયાવહ ભૂકંપ પછી પાંચ-છ વર્ષ આફ્ટરશોક આવતા હોય છે પણ આ વખતે ૨૪ વર્ષે પણ અસર
- કચ્છની ભૌગોલિક રચના છેલ્લા ૧૦ હજાર વર્ષના ભૂકંપથી રચાયેલી છે
ભુજ: વર્ષ ૨૦૨૫માં પહેલી વખત, મંગળવારે રાત્રે પાંચની તિવ્રતાના ભૂકંપે ફરી એક વખત ચર્ચા જગાવી છે. આ નવો ભૂકંપ નહોતો પણ ૨૪ વર્ષ અગાઉ વર્ષ ૨૦૦૧ના ભૂકંપની અસરરૂપ આફ્ટરશોક હતો. વર્ષ ૨૦૦૧ના ભૂકંપની ફોલ્ટલાઈનથી ૨૪ વર્ષે પણ નોંધપાત્ર આફ્ટરશોક અનુભવાયો તેનું કેન્દ્ર બિંદુ વાગડના અમરસર ગામથી ચાર કિલોમીટર દૂર મીઠાના ખેતરોમાં જમીનથી આશરે ૨૩.૬ કિ.મી.ની ઊંડાઈએ હતું. સદ્દનસીબે, કચ્છમાં કોઈ નોંધપાત્ર નુકસાન થયું નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટો ભુકંપ આવે તો તેની અસર પાંચથી છ વર્ષ સુધી અનુભવાતી હોય છે. પણ, કચ્છમાં ૧૩ ફોલ્ટલાઈન સક્રિય હોવાથી હજુ ૨૪ વર્ષે પણ કચ્છમાં ભૂકંપના નોંધપાત્ર આંચકા અનુભવાતાં રહે છે. વર્ષ ૨૦૨૪માં ચાર રિક્ટરસ્કેલથી વધુના છ આંચકા અનુભવાયા હતા. આ વર્ષે પાંચની તિવ્રતાનો પહેલો આંચકો અનુભવાયો હોવાથી કચ્છમાં મહત્તમ નોંધ લેવાઈ છે. સિસ્મોલોજીમાં કચ્છમાં ત્રણ કે તેથી વધુ તિવ્રતાનો આંચકો અનુભવાય તો જ નોંધ લેવાય છે. બાકી, ત્રણથી ઓછી તિવ્રતાના અનેક આંચકા આવતા જ રહેતા હશે કે જેની નોંધસુધ્ધા લેવાતી નથી. પૃથક્કરણ કરતાં નિષ્ણાતો કહે છે કે, આફ્ટરશોક આવતાં રહેશે અને ડરવાની જરૂર નથી.
કચ્છ યુનિ.ના પ્રોફેસર ડો. ગૌરવ ચૌહાણે જણાવ્યું કે, ગઈકાલે, તારીખ ૨૨ એપ્રિલની રાત્રે ૧૧.૩૦ની આસપાસ કચ્છમાં ફરીથી ભૂકંપ આવ્યો, જેમાં તીવ્રતા પાંચ મેગ્નીટયુડની હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્વિમ વાગડ વિસ્તારમાંના અમરસર ગામથી ચારથી પાંચ કિલોમીટર દૂર મીઠાના ખેતરોમાં હતું. આ ભૂકંપ જમીનથી આશરે ૨૩.૬ કિલોમીટર ઊંડેથી ઉત્પન્ન થયો હતો અને નીચે પથ્થરોમાં ભંગાણ થવાના કારણે જોરદાર અવાજ અને ધડાકા થવાથી વધુ ભયાનકતા જણાઈ હતી. છેલ્લા દોઢ વર્ષમાં આ વિસ્તારના આજુબાજુમાં ચારથી વધારે ચારથી પાંચ મેગ્નીટયુડ વચ્ચેના ભૂકંપ નોંધાયા છે. ગઈકાલે આવેલા અને છેલ્લા દોઢ વર્ષમાં આવેલા ભૂકંપોનું કેન્દ્રબિં દુ ૨૦૦૧ના ભૂકંપના કેન્દ્રબિંદુ આસપાસનો વિસ્તાર છે. જિયોલોજીકલી જોતા, ૨૦૦૧ના ભૂકંપની ફોલ્ટ સિસ્ટમના વિસ્તારમાં જ આ બધા ભૂકંપો અને ગઈ કાલનો ભૂકંપ આવ્યો છે, જેને ૨૦૦૧ પછીનો આફ્ટરશોક કહી શકાય.
આ વિસ્તાર જિયોલોજીકલી ખૂબ જ વીક છે અને બહુ બધા નાના નાના ફોલ્ટ અને ફ્રેેક્ચરથી ભરેલો છે, જેને કચ્છ મેનલેન્ડ ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટ વચ્ચેનો સ્ટેપ ઓવર ઝોન કહેવામાં આવે છે. સ્ટેપ ઓવર ઝોન તે વિસ્તાર છે જ્યાં બે થી વધુ ફોલ્ટ મળે છે અને વિવિધ પ્રકારની રચનાઓ ધરાવે છે. બંને ફોલ્ટ દ્વારા વિવિધ પ્રકારના મૂવમેન્ટને કારણે આ વિસ્તારમાં વારંવાર ભંગાણ થાય છે, જેના પરિણામે ઊર્જા નીકળી જોવાના કારણે ભૂકંપ આવતા જ રહે છે અને અવાજ અને ધડાકાઓ થયા કરે છે.
આખી દુનિયામાં એક્ટિવ ઈન્ટ્રાપ્લેટ સિસ્મિક ઝોન તરીકે પ્રખ્યાત કચ્છ વિસ્તાર ભારતના સિસ્મિક ઝોનના નકશામાં ઝોન ૫ તરીકે ઓળખાય છે, જેનો અર્થ છે કે અહીં સૌથી વધુ અને મોટા વિનાશક ભૂકંપ આવી શકે છે અને કચ્છ વિસ્તારમાં નિયમિત રીતે ભૂકંપના ઝટકા અનુભવાય છે. કચ્છ અને અહીંના ખડકોનું નિર્માણ આશરે ૧૮ કરોડ વર્ષપહેલા થયું હતું, જ્યારે ભારત ખંડ આફ્રિકા ખંડથી અલગ થયો. આ પ્રક્રિયામાં અનેક પ્રકારની ફોલ્ટ લાઇનનું નિર્માણ થયુ. ભારત ખંડ આફ્રિકાથી અલગ થતા પછી લાંબી મુસાફરી બાદ, યુરેશિયા ખંડ સાથે અથડાતા સમયે કચ્છમાં નવા ફોલ્ટોનું નિર્માણ થયું. આ વિસ્તાર જ્વાળામુખી પ્રવૃતિઓનો પણ સાક્ષી રહ્યો છે. કચ્છમાં ડાયનાસોર અને અન્ય જમીન અને દરિયાઈ જીવો જીવતા હતા અને પછી નાશ પામ્યા. ભારત ખંડના આ પ્રવાસ દરમિયાન, ખાસ કરીને કચ્છે અનેક ભૂકંપો અનુભવ્યા હતા, જેના પુરાવાઓ આજે પણ પથ્થરોમાં જોવા મળે છે. કચ્છનો વિસ્તાર, જેમાં દરિયો, રણ, મેદાન અને પર્વતો સમાાવિષ્ટ છે, આ ફોલ્ટથી નિયંત્રિત થાય છે. અહીંની વિવિધ ભૌગોલિક રચનાઓ છેલ્લા દસ હજાર વર્ષના ભુકંપોથી બની છે, જેને એક્ટિવ ટેકટોનિક અથવા ન્યોટેકટોનિક રચના કહેવામાં આવે છે.
એક્ટિવ ફોલ્ટની નજીક બાંધકામ ટાળવું જોઈએ
નિશ્ચિત સમયે ઊર્જા નીકળી જવાથી મોટા ભૂકંપની શક્યતાઓ ઘટે છે
૨૦૦૧નો વિનાશક ભૂકંપ પણ આ જ સ્ટેપ ઓવર ઝોનમાં આવ્યો હતો. જેમ ગઈકાલે મોટો ભૂકંપ આવ્યો, તેમ આ વિસ્તારમાં નાનાથી મોટા ભૂકંપ આવવાની સંભાવના યથાવત રહેશે. પરંતુ વારંવાર ભૂકંપ આવવો એ સારી બાબત છે, કારણ કે તે નિશ્ચિંત સમયે ઊર્જા નીકળી જવાથી મોટા ભૂકંપની શક્યતાઓ ઓછી થાય છે. નોંધનીય છે કે કચ્છમાં ઘણા એક્ટિવ ફોલ્ટસ છે, આ ફોલ્ટસ ઉપર મુમેન્ટ ચાલુ હોવાના કારણે સતત ઊર્જાઓ ભેગી થતી રહે છે અને ભૂકંપની શક્યતા હંમેશા રહે છે, એટલે કે કયો ફોલ્ટ ક્યારે એક્ટિવ થાય તે નિશ્ચિત કહી શકાય નહીં. કચ્છના તંત્ર અને લોકોએ હંમેશા ભૂકંપ માટે તૈયારી રાખવી જોઈએ.આ ફોલ્ટસની નજીક કોઈપણ વિકાસના કામ કરતી વખતે ભૂકંપપ્રફુ બાંધકામ કરવું કે એક્ટિવ ફોલ્ટની નજીક બાંધકામ ટાળવું જોઈએ.
કચ્છમાંં 13 ફોલ્ટ લાઈન સક્રિય છે
ભૂકંપના કેન્દ્ર બિંદુઓની નોંધ લઈએ તો કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપોનું કેન્દ્રબિંદુ અલગ અલગ વિસ્તારનું રહેલું છે તેનું કારણ કચ્છમાંં ૧૩ ફોલ્ટ લાઈન છે. ભારત- પાકિસ્તાન બોર્ડરથી શરૂ કરીને, અહીં નગર પારકર ફોલ્ટ, પશ્વિમ રણમાં અલ્લાહબંધ ફોલ્ટ, ખાવડા-ધોળાવીરા-સાંતલપુર વિસ્તારમાં આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ, પચ્છમ વિસ્તારના ગોરાડુંગર ફોલ્ટ, ઉત્તર વાગડમાં આવેલ ગેડી ફોલ્ટ, ભિરંડીયારા નજીક આવેલ બન્ની ફોલ્ટ, આધોઈ નજીક સાઉથ વાગડ ફોલ્ટ, લખપતથી ભચાઉ સુધી આવેલ કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, વિગોડી ગામની નજીક વિગોડી ફોલ્ટ, ભુજ કુકમાના દક્ષિણમાં આવેલ કટ્રોલ હિલ ફોલ્ટ, કોઠારાના પૂર્વમાં આવેલ નાયરા ફોલ્ટ, દહીસરા નજીક સાઉથ કંટ્રોલ હિલ ફોલ્ટ અને દ્વારકા જામનગર વિસ્તારમાં આવેલ નોર્થ કાઠીયાવાડ ફોલ્ટ જેવી અનેક ફોલ્ટલાઇન છે.
છેલ્લા 200 વર્ષમાં 10 મોટા ભૂકંપ આવી ચુક્યા છે
કચ્છમાં મોટા ભૂકંપો આવવાની શક્યતા દર્શાવતા કેટલાક પુરાવો છે. છેલ્લા ૨૦૦ વર્ષમાં કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ૧૦ મોટા ભૂકંપો આવી ચૂક્યા છે. વર્ષ ૧૮૧૯, ૧૮૪૫, ૧૮૪૭, ૧૮૪૮, ૧૮૬૪, ૧૯૦૩, ૧૯૩૮, ૧૯૫૬, ૧૯૭૧ અને ૨૦૦૧માં ભયાનક ભૂકંપ આવ્યાં હતાં. છેલ્લા પાંચ વર્ષમાં કચ્છમાં ચારથી પાંચ મેગ્નિટયુડના નાના ભૂકંપ એટલે કે આફ્ટરશોક્સ નોંધાયા છે.
ભૂકંપની મોકડ્રિલનું આયોજન કરવું જોઈએ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કચ્છના લોકોને ટ્રેનિંગ આપવા ભૂકંપના મોકડ્રિલનું આયોજન કરવું જોઈએ. ભૂકંપ વિષયનો પણ પ્રાથમિક શિક્ષણમાં ફરજિયાત રીતે સમાવેશ થવો જોઈએ. લોકો તાલીમ અને વિદ્યાર્થીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટના શિક્ષણ દ્વારા ભૂકંપ અને વિવિધ હોનારતોનો સામનો કરવાની કુશળતાઓ શીખશે.