Get The App

પત્નીના આપઘાત બાદ હતાશ પતિએ પુત્રને ગળેટૂંપો દઈ ભરૂચમાં ટ્રેન નીચે પડતું મૂક્યું

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
પત્નીના આપઘાત બાદ હતાશ પતિએ પુત્રને ગળેટૂંપો દઈ ભરૂચમાં ટ્રેન નીચે પડતું મૂક્યું 1 - image


ઘરકંકાસમાં  હસતો રમતો પરિવાર પિંખાઈ ગયો  : એક સાથે પરિવારના 3  સભ્યોના મોતથી બંનેના પરિવારજનો આઘાતમાં : પુત્રને ઊંઘમાં જ ગળેટૂંપો દીધો

ભરૂચ, : ઘરેલુ ઝઘડા ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતાં હોય છે, જેમાં સંપૂર્ણ પરિવાર બરબાદ થઈ જતો હોય છે, આવો જ એક બનાવ ભરૂચમાં બનવા પામ્યો છે. જેમાં રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયરની પત્નીએ ઘરમાં ગળાફાંસો ખાઈ લેતાં આઘાતમાં ડૂબેલા પતિએ માસૂમ બાળકની ઊંઘમાં જ ગળું દબાવી હત્યા કર્યા બાદ અંકલેશ્વરના ગડખોલ નજીક રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. 

ભરૂચ રેલવે સ્ટેશનની રેલવે કોલોનીમાં રહેતા અને સિનિયર સેકશન એન્જિનિયર તરીકે રેલવેમાં ફરજ બજાવતાં જતીનભાઈ જાદવભાઈ મકવાણા પત્ની ત્રુપલ અને 10 વર્ષના પુત્ર વિહાગ સાથે સુખી જીવન જીવતાં હતાં. દરમિયાન ત્રુપલને પરપુરુષ સાથે સંબંધ બંધાતા તેના કારણે પતિ - પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા શરૂ થયા હતાં. પતિ - પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિ જતીન મકવાણા ફરજ પર જતાં ઘરમાં પુત્ર સાથે એકલી પરિણીતા ત્રુપલે પુત્રને ઊંઘાડીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દરમિયાન આજે સવારે જતીન ઘરે આવતાં તેણે ઘરમાં પ્રવેશ કરતાં પત્નીના મૃતદેહને લટકતો જોઈ આઘાતમાં સરી પડયો હતો. ત્યારબાદ તેણે પથારીમાં નિંદ્રાધિન માસૂમ પુત્ર વિહાગને ઊંઘમાં જ ગળે ટુંપો દઈ તેની હત્યા કરી ઘરને તાળુ મારી બહાર નીકળી ગયો હતો. જતાં જતાં તેના પિતાને ફોન કરી 'પત્નીએ આપઘાત કર્યો હોઈ હવે હું પણ આપઘાત કરવા જઈ રહ્યો છું' કહી ફોન કાપી નાખ્યો હતો. પુત્રના આપઘાત કરવા જવાની વાત સાંભળી પિતા જાદવભાઈના પગતળેથી જાણે જમીન સરકી ગઈ હતી. તેમણે તુરત પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો તુરત જતીન મકવાણાના ઘરે પહોંચી ગયો હતો, જ્યાં પોલીસને ત્રુપલ ગળાફાંસો ખાધેલી હાલતમાં અને પુત્ર પણ બેડમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમજ પુત્રની લાશ પાસે જ જતીને લખેલી ૨ પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે પોતે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરવા જતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. દરમિયાન જતીને અંકલેશ્વરના ગડખોલ ખાતે રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોતજોતામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતની ઘટનાને લઈને બંને પરિવારોના માથે જાણે આભ તૂટી પડયું હતું. ભરૂચમાં થયેલા બે મોતને પગલે પોલીસે માતા અને પુત્રની લાશને સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેમના પી.એમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.  જ્યારે જતીનના મોત અંગે અંકલેશ્વરમાં ગુનો દાખલ થયો હતો. જેનું પી.એમ અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું. સમગ્ર બનાવ અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News