વિજુ સિન્ધી પછી દારૃના ધંધા માટે બૂટલેગરોમાં ગેંગવોર થવાની શક્યતા
લોકલ પોલીસ સ્ટેશન અને બ્રાંચમાં નોકરી કરતા વહીવટદારો તમામ બૂટલેગરોથી વાકેફ હોવાછતાંય નિષ્ક્રિય
વડોદરા, વડોદરામાં ગઇકાલે રાતે બૂટલેગર પર થયેલા હુમલા અગાઉ પણ વાડીમાં બૂટલેગરો વચ્ચે ગેંગવોર થઇ હતી. પોલીસે આ કિસ્સામાં પણ બંને પક્ષના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી નહતી. પોલીસને નાની મોટી બાતમી આપતા કેટલાક બાતમીદારો પોતે પણ દારૃનો ધંધો કરે છે. પરંતુ, તેઓ બાતમી આપતા હોવાના કારણે પોલીસ તેઓની સામે રહેમ નજર રાખતી હોય છે. આ બાતમીદારો સમય જતા બૂટલેગર બની પોલીસ માટે પડકારરૃપ બની જતા હોય છે.
વડોદરા શહેરમાં દારૃનો ધંધો કરતા બૂટલેગરોએ હવે પોતાની ત્યાં નોકરી કરતા માણસો પાસે દારૃનો ધંધો શરૃ કરાવ્યો છે. જેના કારણે તેમની સામેના ગુનાઓની સંખ્યા વધે નહીં. વડોદરા જ નહીં પરંતુ, સમગ્ર રાજ્યમાં વિદેશી દારૃનું મોટાપાયે નેટવર્ક ચલાવતા બૂટલગેર વિજુ સિન્ધી સામે તાજેતરમાં જ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસનો રેલો વડોદરા સુધી પહોંચે તેવી શક્યતા છે. વિજુ સિન્ધી હાલમાં વિદેશ હોઇ ધંધો બીજાના હાથમાં હોવાનું જાણવા મળ્યું છે. આ જ ગેંગના મનોજ પાપડ, કાલુ ટોપી, અર્જુન મારવાડી હાલમાં સક્રિય હોવાની માહિતીના આધારે રાજ્ય પોલીસ દ્વારા તેઓની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની કામગીરી પછી હવે લિસ્ટેડ બૂટલેગરો વડોદરા છોડીને જતા રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
વડોદરામાં દારૃનો નાનો મોટો ધંધો કરતા ૪૩૦ જેટલા બૂટલેગરો છે. જે પૈકી ૨૨૦ મહિલાઓ પણ છે. આ પૈકી કેટલાક બૂટલેગરો તો દારૃનો ધંધો કરતા કરોડપતિ થઇ ગયા છે. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં લાંબા સમય સુધી વોન્ટેડ રહેતા બૂટલગરોની મિલકત જપ્તીની કાર્યવાહી પણ પોલીસ કરતી નથી. જેના કારણે બૂટલેગરો બેફામ બની જાય છે. લોકલ પોલીસ સ્ટેશન કરતા પણ બ્રાંચોમાં નોકરી કરતા વહીવટદારોની ધાક બૂટલેરો પર વધારે હોય છે. પરંતુ, બ્રાંચના વહીવટાદરો આંખ આડા કાન કરીને બેસી જાય છે ત્યારે બૂટલેગરો બેફામ બની જતા હોય છે.દારૃ સાથે કોઇ આરોપી પકડાય છે. ત્યારે માત્ર તેના સુધી જ તપાસ કરીને કેસ ક્લોઝ કરી દેવામાં આવતી હોય છે. તેવી જ રીતે કોઇ પણ વોન્ટેડ બૂટલેરની સામે હજી સુધી મિલકત જપ્તીની કાર્યવાહી થઇ નથી.