વડોદરામાં ચોરોએ તરખાટ મચાવ્યા બાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી નાઈટ પેટ્રોલિંગ શરૂ કર્યું
Vadodara Theft Case : તાજેતરમાં રાત્રિ દરમિયાન જ ચોર ટોળકીએ શહેરમાં ચારે બાજુએ તરખાટ મચાવીને લાખો રૂપિયાની રોકડ અને ઘરેણા સહિત હાથ ફેરો કરતા પોલીસની ઊંઘ હરામ થઈ હતી. પરંતુ ત્યારબાદ જાણે કે બ્રહ્મજ્ઞાન લાગ્યું હોય એવી રીતે અને ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળ્યા હોય એવો ઘાટ પોલીસે કર્યો છે.
વડોદરામાં ચોર ટોળકીયે તરખાટ મચાવ્યા બાદ હવે નાક કપાયા બાદ રાત્રી પેટ્રોલિંગનું ફારસ શરૂ કર્યું છે. જોકે આમેય રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કેવું પેટ્રોલિંગ શેના માટે કરે છે એવા પ્રશ્નોના જવાબો લોકો સુપેરે જાણે છે. ઉલ્લેખનીય છે કે, શહેરનો વિસ્તાર વ્યાપ ખૂબ વધી ગયો છે, જ્યારે બીજી બાજુ પોલીસ મહેકમ પ્રમાણમાં ખૂબ ઓછું છે. શહેરમાં છેલ્લા પંદરેક દિવસમાં ચોર ટોળકીઓએ પોલીસની આબરૂના સર ધજાગરા ઉડાડયા છે. શહેરમાં ચારે બાજુએ માંજલપુર, ન્યુ વીઆઇપી રોડ, હરીનગર, મકરપુરા, તરસાલી વિસ્તારના રહીશોને ઊંઘ તસ્કરોએ હરામ કરી દીધી છે. માંજલપુર અને તરસાલીના ત્રણ મકાનના તાળા તોડીને સોના ચાંદીના દાગીના, યુએસ ડોલર અને રોકડ મળીને આઠેક લાખ રૂપિયાની ચોરી તસ્કરો કરી ગયા છે. જોકે પોલીસે આ કિસ્સામાં ડોલરનો હિસાબ પણ ફરિયાદમાં ઉમેરવો પડ્યો હતો. જોકે આમેય સોનાનો ભાવ તો પોલીસ ચોપડે આજે પણ શુક્રવારે બજાર જેવો આંકે છે. સોનાનો બજાર ભાવ રૂપિયા 90,000 જેવો છે. પરંતુ સોનાના દાગીનાનો જ્યારે ખરીદ કર્યો હોય ત્યારનો ભાવ, ઉપરાંત સોનાના દાગીનાની ઘડાઈ, ઉપરાંત ખરીદ તારીખથી સોનાનો ઘસારા ખર્ચ પણ ચોરીની ફરિયાદમાંથી બાદ કરીને ચોરીની ફરિયાદ નોંધવામાં આવે છે.
આ અંગે ફરિયાદી જો કાંઈ વિરોધ કરે તો પોલીસ તેને નીતિ નિયમો અનુસાર ફરિયાદ નોંધાવી હોવાનું કહે છે. પરંતુ હવે જ્યારે ચારે બાજુએ ચોર ટોળીએ ચોરીની માઝા મૂકી દીધી છે ત્યારે પોલીસને હવે જાણે કે પગ નીચે રેલો આવ્યો હોય એવી રીતે રાત્રી પેટ્રોલિંગ કરવાનું નાટક શરૂ કર્યું છે. રાત્રી દરમિયાન પેટ્રોલિંગ વખતે પોલીસના કારસ્તાનો શહેરીજનોથી અજાણ નથી જ. હવે થોડા જ દિવસોમાં નાઈટ પેટ્રોલિંગમાં પોલીસના કારસ્તાનો અંગેના સમાચાર જાણવા નહી મળે તો જ શહેરીજનોને નવાઈ લાગશે. રાત્રી દરમિયાન જીપમાં અને બાઈક પર ફરતી પોલીસને અગાઉ કેટલીય વાર ખૂણે ખાચરે જઈને આરામ ફરમાવતી લોકોએ જોઈ છે. આ ઉપરાંત કેટલીય વાર જાહેર રોડ પર પૂછપરછના બહાને હેરાનગતિ થતી હોવાના પણ કિસ્સાનો ભોગ પણ બન્યા હોવાનો સંસ્કારી લોકોએ અનુભવ પણ કર્યો હોવાનું કહેવાય છે. આ ઉપરાંત નાઈટ પેટ્રોલિંગમાં નીકળતી પોલીસની પણ વોચ રાખવા અધિકારીઓને જાતે નીકળવું પડતું હોવાના પણ કિસ્સા નોંધાયેલા છે. આમ હવે કહેવાય છે કે, શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં પોલીસે નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું એમ કહેવાય છે તો પછી અત્યાર સુધી પોલીસ નાઇટમાં શું કરતી હતી એવો સવાલ આમ જનતાને મળશે ખરો?