Get The App

દુનિયાની સૌથી મોટી રિફાઈનરી બાદ જામનગરને વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર મળશે, રિલાયન્સનો પ્લાન

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
દુનિયાની સૌથી મોટી રિફાઈનરી બાદ જામનગરને વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર મળશે, રિલાયન્સનો પ્લાન 1 - image
Data Center AI Image

World's Largest Refinery : દૈનિક 14 લાખ બેરલ ક્રૂડ ઓઈલ રિફાઈનીંગ કરવાની ક્ષમતા સાથે વિશ્વની એક જ લોકેશન ઉપર સૌથી મોટી રિફાઈનરી ચલાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જામનગર ખાતે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર ઉભું કરી રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ આધારિત આ ડેટા સેન્ટરની ક્ષમતા એક ગીગાવોટ કે તેનાથી વધારે હોય શકે એવું સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વની સૌથી મોટી રિફાઈનરી બાદ ગુજરાતના જામનગરને વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર પણ મળશે. અત્યારે વિશ્વના સૌથી મોટા ડેટા સેન્ટર અમેરિકામાં આવેલા છે જેની ક્ષમતા એક ગીગાવોટ કરતા ઓછી છે. એવી પણ શક્યતા છે કે રિલાયન્સ તેની ડેટા સેન્ટર ક્ષમતા વધારી ત્રણ ગીગાવોટ કરી શકે છે, જોકે આ વાતને કોઈ સત્તાવાર સમર્થન મળી રહ્યું નથી.

AI આધારિત ડેટા સેન્ટરની ક્ષમતા એક ગીગાવોટ, ગ્રીન એનર્જીથી ચાલશે

ઓગસ્ટ 2024માં કંપનીના શેરહોલ્ડરને સંબોધન કરતા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ આ અંગે જાહેરાત કરી હતી. ડેટા સેન્ટર માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને લગભગ 24 મહિનામાં તે કાર્યરત થઇ જશે એવું સૂત્રોએ જણાવ્યું હતું. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) માટે જરૂરી કોમ્પ્યુટીંગ ક્ષમતા માટે પણ કંપનીએ ભાગીદાર શોધી લીધા છે. આ ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની એનવીડીયા પાસેથી બ્લેકવેલ ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ (જીપીયુ) ખરીદવા માટે તૈયારી કરી છે.

અહી નોંધવું જોઈએ કે એઆઈ કોમ્પ્યુટીંગ માટે જરૂરી લાર્જ લેન્ગવેજ મોડેલ (એલએલએમ) ડેવલપ કરવા માટે રિલાયન્સ અને એનવીડીયાએ સપ્ટેમ્બર 2024માં ભાગીદારી જાહેર કરી હતી. આ ઉપરાંત, બન્ને કંપનીઓ ભારતમાં એઆઈ માટે વધારે સહયોગ કરશે એવી જાહેરાત પણ થઇ ચૂકી  છે. 

સૌથી મહત્વનું છે કે જામનગર ખાતે પ્રસ્તાવિત ડેટા સેન્ટર માટે વીજળી સંપૂર્ણ રીતે પર્યાવરણને નુકસાન નહીં કરે એ રીતે મેળવવામાં આવશે. રિલાયન્સ જામનગર ખાતે સોલાર બેટરી સેલ સ્ટોરેજ અને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સહિત 100 ગીગાવોટની ગ્રીન એનર્જી ક્ષમતા ઉભી કરી રહ્યું છે. આ ક્ષમતા ઉભી થયા પછી જામનગર ક્રૂડ ઓઈલની જેમ વિશ્વમાં એક લોકેશન ઉપર ઉત્પન્ન થતી વીજળીમાં પણ વિશ્વમાં અવ્વલ સ્થાન ઉપર આવી જાય તેવું અનુમાન છે.

આ ક્ષમતામાંથી ડેટા સેન્ટરને જરૂરી એક ગીગાવોટ વીજળી આપવામાં આવશે. એક ગીગાવોટ વીજળીમાંથી સાત લાખથી 10 લાખ ઘરોની વીજળીની જરૂરીયાત પૂર્ણ થઇ શકે છે.  એનવીડીયાના સીઈઓ ઓક્ટોબર 2024માં ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે મુકેશ અંબાણી સાથે ભારતમાં એઆઈના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી અને બન્ને કંપનીઓ આ ક્ષેત્રમાં કેવી રીતે સાથે કામ કરી શકે તે અંગે ચર્ચા થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

20 અબજ ડોલરનું રોકાણ 

ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા પછી તેમણે 300 અબજ ડોલરથી 500 અબજ ડોલરના રોકાણના એઆઈ આધારિત સ્ટારગેટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ માટે નાણા નથી એવી ટીકા પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે કરી છે. જોકે, રિલાયન્સના જામનગર ડેટા સેન્ટર પ્રોજેક્ટ માટે લગભગ 20 અબજ ડોલરનું રોકાણ જરૂરી બનશે એવું બ્લૂમબર્ગનો અંદાજ જણાવે છે. 

ડેટા સેન્ટર શેના માટે 

કોમ્પ્યુટીંગ, સ્ટોરેજ અને અન્ય સવલતો સાથે ડેટા સેન્ટર ઉભું કરવામાં આવે છે. આ ડેટા સેન્ટરનો ઉપયોગ કંપનીઓ, સરકાર ડેટા સ્ટોરેજ, કલાઉડ કોમ્પ્યુટીંગ કે ડેટા સેફટી માટે કરે છે. આ ડેટા સેન્ટર ચલાવતી કંપનીએ કોમ્પ્યુટર, પ્રોસેસર, ટેલીકોમ, વીજળી સહિતની સુવિધા ઉભી કરવાની હોય છે અને તેનો ઉપયોગ અન્ય ગ્રાહકો કરે છે. ગુગલની માલિક આલ્ફાબેટ, માઈક્રોસોફ્ટ, એમેઝોન અત્યારે વિશ્વના સૌથી મોટા ડેટા સેન્ટર ચલાવે છે. 



Google NewsGoogle News