Get The App

બાબરા નજીક ટેન્કર પલટી જતાં રસ્તા પર વહી જતું ઓઈલ ભરવા માટે પડાપડી

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
બાબરા નજીક ટેન્કર પલટી જતાં રસ્તા પર વહી જતું ઓઈલ ભરવા માટે પડાપડી 1 - image


ગલકોટડી નજીક રસ્તા પરથી ટેન્કર હટાવવા પોલીસે ક્રેઈન મગાવવી પડી કચ્છથી ઓઈલ ભરીને નીકળેલાં ટેન્કરના સ્ટીયરિંગ ઉપરથી ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માતઃ સદ્દનસીબે કોઈને ઈજા ન થઈ

બાબરા : બાબરા ભાવનગર રોડ ઉપર આવતા ગલકોટડી ગામ નજીક આજે સવારે ઓઇલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા ઓઇલનો મોટો જથ્થો હાઇવે રોડ ઉપર વહેવા લાગ્યો હતો. અને અકસ્માત બાદ વહી જતું ઓઇલ આજુબાજુના લતાવાસી સહિત રાહદારી લોકો ભરી જતા નજરે પડયા હતા. જોકે બનાવમાં કોઈ માનવ ઇજાનો બનાવ બન્યાનું બહાર આવ્યું નથી.

પોલીસ મથકમાંથી મળતી પ્રાથમિક વિગત મુજબ કચ્છ તરફથી ઓઇલ ભરી રવાના થયેલું ઓઇલ ભરેલ ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દઈ બાબરાના ગલકોટડી નજીક ટેન્કરને પલ્ટી મરાવી દેતા ઓઈલનો મોટો જથ્થો લીકેજ થવાથી રસ્તા પર ઓઈલની નદી વહેવા લાગી હતી. આ બનાવની જાણ થતાં આજઆજુના વિસ્તાર અને રાહદારી લોકો વહી જતો ઓઇલનો જથ્થો ભરી લેવા માટે દોડધામ મચાવી હતી અને હાથ લાગ્યું ઓઇલ ભરી ગયા હતા. બનાવ બાદ પોલિસ દ્વારા તાત્કાલિક ક્રેઇન મદદ બોલાવી અને ટેન્કર હટાવી હાઇવે રોડ ખુલ્લો કરાવ્યો હતો.

અત્રે યાદ રહે કે આ વિસ્તારમાં એક વર્ષ અગાઉ પણ ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી માર્યાનો બનાવ બનવા પામેલો હતો. અને ત્યારે પણ મોટી માત્રા માં લોકો વહી જતા ડીઝલ નો જથ્થો ભરી જવા પામ્યાનો કિસ્સો પ્રકાશમાં આવેલો હતો. હાઈવે ઉપર સમયાંતરે આવા બનાવો બનતા જ રહે છે.

હાલ બનાવ સબંધે મોડી સાંજ સુધી પોલીસ મથકમાં કોઈ ધોરણસર નોંધ દાખલ થવા પામી નથી અને  ટેન્કર માલિકનો સંપર્ક સાધી તેને પોલીસ મથકમાં બોલાવ્યા બાદ ટેન્કરમાં ભરેલા ઓઇલ અને તેના ચાલક વિશે વિગતો મેળવી આગળ ની કાર્યવાહી હાથ ધરવા પામનાર હોવાનું પોલીસ વર્તુળએ જણાવ્યું હતું.


Google NewsGoogle News