રૂપાલા વિવાદ બાદ ભાજપ હાઈકમાન્ડનો તમામ ઉમેદવારોને આદેશ- 'ભૂલથી પણ આ કામ ન કરતાં'
Lok Sabha Elections 2024 | રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં વિવાદ થયો છે જેના કારણે ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. આ કારણોસર ભાજપ હાઈકમાન્ડ હરકતમાં આવ્યુ છે. એટલુ જ નહીં, ભાજપના બધાય ઉમેદવારોને ખાસ સૂચના આપવામાં આવી છેકે, કોઈએ પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરવી નહી.
રુપાલાની ટિપ્પણી બાદ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. એટલુ જ નહી, ભાજપમાંથી રાજીનામા પડવાનો દોર શરૂ થયો છે. ભાજપ વિરોધી માહોલ ઉભો થયો છે. એક તરફ, ભાજપે ૨૬ બેઠકો પાંચ લાખના માર્જીનથી જીતવાનો લક્ષ્ય રાખ્યો છે ત્યારે બીજી તરફ, રુપાલાની ટિપ્પણી બાદ ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપના પ્રદેશ નેતાઓ આંતરિક વિખવાની આગ ઠારવા મથામણ કરી રહ્યા છે.
રુપાલાની ટિપ્પણી બાદ ભાજપે શીખ લીધી છે. કમલમમાં વિડીયો કોન્ફરન્સ યોજીને બધાય ઉમેદવારોને ખાસ તાકીદ કરવામાં આવી છે કે, કોઈએ પણ વિવાદાસ્પદ નિવેદનબાજી કરવી નહી. માત્ર પક્ષના નામ-કામો આધારે ચૂંટણી પ્રચાર કરવો. કોઈ સમાજને દુખ પહોંચે તેવી ટિપ્પણી કરવી નહી.
રૂપાલાનો બચાવ કે વિરોધઃ ક્ષત્રિયોમાં બે ફાંટા
રૂપાલાએ ટિપ્પણી કર્યા બાદ ક્ષત્રિય સમાજ પણ બે ભાગમાં વહેચાયો છે. ક્ષત્રિયો આગેવાનોનુ એક જૂથ પુરુષોત્તમ રુપાલાને બચાવવા મેદાને પડયું છે તો સામે છેડે બીજુ જૂથ રુપાલાને કોઈપણ ભોગે બક્ષવા તૈયાર નથી. ભાજપ પ્રદેશ નેતાગીરીઓ પણ ભાજપના ક્ષત્રિય નેતાઓને આ વિવાદ થાળે પાડવા જવાબદારી સોંપી છે. તેમાં ય હવે બળતામાં ઘી હોમાયુ છે કેમકે, કરણી સેના પણ રુપાલાની ટિકિટ રદ કરાવવા પર અડગ છે. કરણી સેનાએ ગોંડલમાં આયોજીત ક્ષત્રિય સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવીને લડત ચાલુ રાખવા એલાન કર્યુ છે. આમ, રુપાલાના મુદ્દે ક્ષત્રિયોમાં બે ફાંટા પડ્યા છે.