બિઝનેસમેનના અવસાન બાદ કેરટેકરે ૫૫ લાખ રૃપિયા પડાવી લીધા
પતિના અવસાન પછી બેન્ક એકાઉન્ટ ચેક કરતા પરિવારને છેતરપિંડીની જાણ થઇ
વડોદરા,પોતાના જ વતનના યુવકને કેર ટેકર તરીકે રાખનાર બિઝનેસમેનના અવસાન પછી કેર ટેકરે તેમના એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટમાં ૫૫ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મકરપુરા વિસ્તારના તુરાજ કોમ્પલેક્ષમાં રહેતા ૬૪ વર્ષના શારદાબેન અખિલેશકુમાર ત્રિપાઠીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ લીબીયામાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. વર્ષ ૨૦૧૬-૨૦૧૭ માં તેઓ પરત ભારત આવેલા અને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ટાટા હાઉસિંગ કોમ્પલેક્ષમાં મકાન અને ઓફિસ રાખી ત્યાં જ રહેતા હતા. હું મારી દીકરી અને દીકરા સાથે વડોદરા રહેતી હતી. મારા પતિ કન્સ્ટ્રક્શન એન્જિનિયરીંગની કંપની ચલાવતા હતા.તેઓ કલોલ તથા આજુબાજુના વિસ્તારમાં ધંધો કરતા હતા. તેમની મદદ માટે અમારા વતન ઉનુર્ખા, સુલતાનપુર, યુ.પી. માં રહેતા દિવ્યાંશુ મહેન્દ્રપ્રતાપ તિવારીને કેરટેકર તરીકે રાખેલો હતો. તે મારા પતિનું તમામ પ્રકારનું કામ કરતો હતો. તારીખ ૧૧-૮-૨૦૨૪ ના રોજ મારા પતિને હાર્ટ એટેક આવતા તેઓનું અવસાન થયું હતું. મારા પતિના અવસાન પછી તેમના અલગ - અલગ બેંકના એકાઉન્ટની માહિતી મેળવતા અમને જાણ થઇ હતી કે, કેરટેકર તરીકે રાખેલા દિવ્યાંશુંએ મારા પતિના એકાઉન્ટમાંથી ૫૫ લાખ રૃપિયા તેના એકાઉન્ટમાં અમારી કે મારા પતિની મંજૂરી વગર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને લઈ લીધા હતા. દિવ્યાંશુ તિવારી પાસે અમારા પૈસા પરત લેવા માટે અવાર - નવાર પ્રયત્ન કરવા છતાંય તેણે પૈસા પરત કર્યા નહતા.